દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસની તપાસ દરમિયાન ચોક આવનારી વિગતો બહાર આવી રહી છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર હજુ પણ વધુ બે કાર વિસ્ફોટકો સાથે ગુમ થઈ ગઈ હતી ત્યારે આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી છે.
એ અહેવાલમાં જણાવ્યા મુજબ દિલ્હી વિસ્ફોટમાં વપરાયેલી i20 કાર ઉપરાંત, શંકાસ્પદ આત્મઘાતી બોમ્બર અને તેના મુખ્ય સાથીએ દિલ્હીથી વધુ બે કાર ખરીદી હતી. આ કાર વિશે હજુ સુધી વધુ માહિતી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે આતંકવાદી ષડયંત્રનો ભાગ હતી જેની તપાસ હવે 10 નવેમ્બરના વિસ્ફોટના ગુનેગારોને શોધવા માટે કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે સોમવારે પોલીસ અને અન્ય તપાસનીશ એજન્સીઓએ ફરીદાબાદમાં ડૉ. મુઝમ્મિલ શકીલનેત્યાં દરોડા પાડી 2900 કિલો વિસ્ફોટક સામગ્રી, એકે ફોર્ટી સેવન અને અન્ય સામગ્રી જપ્ત કર્યા બાદ એ ડોક્ટરનો સાથી ડોક્ટર ઉમર નબી હરિયાણા પાસિંગની i20 કાર લઈને નીકળી ગયો હતો અને પછી તેમાં લાલ કિલ્લા નજીક વિસ્ફોટ થયો હતો.
એ કારનું પગેરું શોધતી વેળા આ ષડયંત્રકારોએ વધુ બે કાર પણ ખરીદી હોય તેવા નિર્દેશો મળતા સુરક્ષા એજન્સીઓ સાવધ બની ગઈ છે. એ પણ ઉલ્લેખનીય છે કે દરોડા દરમિયાન અલ ફલાહ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતી મહિલા ડોક્ટર શાહીન સઈદની ગાડીમાંથી એસોલ્ટ રાઇફલ અને દારૂગોળો મળી આવ્યા હતા. આતંકવાદીઓ આવો મોતનો સામાન સંઘરવા માટે કારનો ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે.
પોલીસ હવે ધરપકડ કરાયેલા અને અટકાયત કરાયેલા તમામ વ્યક્તિઓના ડેટાબેંકનો અભ્યાસ કરી રહી છે. તેમના આધાર અને ડ્રાઇવિંગ લાઇસન્સનું કાળજીપૂર્વક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસ તેમના કોલ લોગ, વોટ્સએપ, ટેલિગ્રામ અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ સ્કેન કરી રહી છે. આમિર, તેના પ્લમ્બર ભાઈ, 30 વર્ષીય ઉમર રશીદ અને અન્ય એક શંકાસ્પદ, તારિક મલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે.જો કે તેમની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
દરમિયાન યુનિવર્સિટીમાં કામ કરતા અન્ય ત્રણ અટકાયત કરાયેલા ડોક્ટરોને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે કારણ કે તેમનો કોઈ આતંકવાદી મોડ્યુલ સાથેનો સંબંધ સ્થાપિત થયો નથી.
NIA ના ડીજી કરશે દસ સભ્યોની ટીમનું નેતૃત્વ
દિલ્હી કાર વિસ્ફોટની ઘટનાની તપાસ NIA ને સોંપી દેવામાં આવી છે. આ માટે 10 ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે જેનું નેતૃત્વ NIA DG વિજય સખારે કરશે. એ ટીમમાં પોલીસ મહાનિરીક્ષક (IG), બે નાયબ પોલીસ મહાનિર્દેશક (DIG), ત્રણ પોલીસ અધિક્ષક (SP) અને બાકીના DSP સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે. એજન્સી જમ્મુ અને કાશ્મીર પોલીસ, દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસ પાસેથી જૈશ મોડ્યુલની તમામ કેસ ડાયરીઓ કબજે કરશે.તપાસ એજન્સીઓ દ્વારા 1,000 થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પ્રવૃત્તિ પર પણ નજર રાખી રહ્યા છે અને દિલ્હીભરમાં અનેક સ્થળોએથી મોબાઇલ ફોન ડેટા એકત્રિત કરી રહ્યા છે.
