આસારામ બાપુને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત : વચગાળાના જામીન મંજૂર,જેલમાંથી બહાર આવશે પણ ભક્તોને નહિ મળી શકે
સુપ્રીમ કોર્ટે મંગળવારે (7 જાન્યુઆરી) દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા છે. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ કોર્ટે આસારામને નિર્દેશ કર્યો છે કે, તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને નહીં મળે.
વર્ષ 2013માં જોધપુર પોતાના આશ્રમ માં એક સગીર બાળા પર બળાત્કાર ગુજારવાના આરોપસર આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને સર્વોચ્ચ અદાલતે તબીબી આધાર પર 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. જોકે ગાંધીનગર ખાતેના આશ્રમમાં ગુજારેલા બળાત્કારના અન્ય એક કેસમાં પણ તેઓ સજા ભોગવતા હોવાને કારણે વચગાળાના જામીન મળ્યા છતાં પણ તેમણે જેલમાં જ રહેવું પડશે.
આસારામ બાપુને આ અગાઉ તબીબી સારવાર માટે 17 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે પુણે અને એઇમ્સમાં સારવાર લીધી હતી. 1લી જાન્યુઆરીએ તેઓ જોધપુર જેલમાં પરત ફર્યા હતા. બાદમાં તેમની હાલત નાજુક હોવાનું જણાવી તેમના વકીલે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ એચએમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદાલની ખંડપીઠે એ અરજી માન્ય રાખી 31 માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જોકે આસારામ બાપુ તેમના ભક્તોને મળી શકશે નહીં તેવી શરત અદાલતે લાદી છે.
83 વર્ષના આસારામ 2013માં જોધપુર આશ્રમ ખાતેના બળાત્કાર કેસમાં દોષિત ઠર્યા બાદ 2018માં જોધપુરની અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. એ જ રીતે ગાંધીનગર નજીકના આશ્રમમાં બળાત્કાર ગુજારવાના ગુના બદલ પણ અદાલતે 2023 માં તેમને આજીવન કેદ ફરમાવી હતી.
ગત વર્ષે સર્વોચ્ચ અદાલતે તેમની આજીવન કેદની સજા રદ કરવા માટે ગુજરાત સરકારનો અભિપ્રાય માગ્યો હતો. બાદમાં ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઇકોર્ટે એ અરજી ફગાવી દીધી હતી.