મોટી મૂંઝવણ: બચત ઉત્સવ શરૂ, લોકો સુધી લાભ ક્યારે પહોંચશે? નાના વેપારીઓએ GST રજીસ્ટ્રેશન નંબર પણ લીધા નથી
સોમવારથી પ્રથમ નોરતે દેશભરમાં GST બચત ઉત્સવ શરૂ થયો છે,રાજકોટની વાત કરીએ તો ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર ગ્રાહકોને લાભ મળવાનું શરૂ થયું છે જ્યારે સૌથી મોટી અરજણ ફૂડ એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ માટે GSTની ગૂંચ આવી છે. રાજકોટમાં એક અંદાજ મુજબ 50% થી વધુ કરિયાણાના વેપારીઓએ GST રજીસ્ટ્રેશન નંબર લીધા નથી આથી GST ટુ ની સીધી રાહત સામાન્ય લોકો સુધી પહોંચી નથી.એફ એન્ડ સી પ્રોડક્ટ પર GST બચતનો લાભ મળતાં એક અઠવાડિયાથી 3 મહિના જેવો સમય લાગી જશે તેવી ધારણા રાજકોટના વેપારીવર્ગએ કરી છે.
સરકાર દ્વારા મહા બચત સપ્તાહ ઉજવણી ની મોટાપાયે જાહેરાત કરવામાં આવી છે જ્યારે બજારમાં મોટાભાગના કરિયાણાના વેપારીઓ જે રિટેલ વેપાર સાથે સંકળાયેલા છે તેમની પાસે હજુ જૂનો સ્ટોક હોવાથી તે ભાવે જેમકે ટુથ પેસ્ટ,શેમ્પૂ ,સાબુ પર રિટેલ ભાવ છપાયેલા છે તે મુજબ વેચાણ કરી રહ્યા હોવા નું લોકોએ જણાવ્યું હતું.
જાણો…આ પ્રોડક્ટમાં આટલા ભાવ ઘટ્યા

જોકે ડી માર્ટ, રિલાયન્સ એવા મેગા મોલમાં સોમવારથી GST પર રાહત સાથે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્રોવિઝન સ્ટોર પર તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમની પાસે રહેલા સાબુ શેમ્પૂ બિસ્કીટ કે અન્ય પ્રોડક્ટ જેના પર GST માં ઘટાડો થયો છે તે પેકિંગ પર જૂના GST દરેક ભાવ છપાયેલા છે આ સ્ટોર્સ પર જે સ્ટોક છે તેના ઘટાડેલા ભાવ શું હશે તે અંગે કંપની કે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા રિટેલર વેપારીને જાણ કરવામાં આવી નથી.
આ પણ વાંચો :સાવજની ધરતી પર અવકાશના તારલાઓ ચમકશે : દેશના સૌથી વધુ અંધકારમય વિસ્તારમાં આભના રહસ્યો પર થશે રિસર્ચ
બીજી બાજુ સરકારે પણ કંપનીઓને નવા લેબલ અને પેકિંગ પરના ભાવ અંગે માર્ચ 2026 સુધીની સમયમર્યાદા આપી હોવાથી રિટેલરને GST 18 માંથી 12 ટકા,12 માંથી 5 કે ઝીરો ટકા થયો હોય તો આ ઘટાડો કોણ ભોગવશે તે અંગે કંપનીઓ દ્વારા પણ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેવી ફરિયાદ વેપારીઓએ કરી છે.
રિટેલરો માટે અવઢવ,હાલમાં સર્ક્યુલર મોકલીને સુધારો કરાવ્યો: જીતુભાઈ અદાણી
રાજકોટ કન્ઝ્યુમર એન્ડ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના ચેરમેન જીતુભાઈ અદાણીએ GST 2 ની સોમવારથી અમલવારી શરૂ થઈ છે તે વિશેનો અનુભવ દર્શાવતા કહ્યું કે, હાલમાં તો સૌથી વધુ રિટેલરોને વેચાણ અંગે અવઢવ ઊભી થઈ છે, અથાણાની પ્રોડક્ટ પર 12 માંથી 5 ટકા GST કરવામાં આવતા અમે તૈયાર પ્રોડક્ટ પર ભાવ ઘટાડો કરી દીધો છે જેમાં 500 ગ્રામ અથાણાની એક બોટલ પર 180 રૂપિયા એમઆરપી હતી જેમાંથી પાંચ ટકા GST લીધે હવે 168.75 રૂપિયા ગ્રાહકને ચૂકવવાના રહેશે. હાલના તબક્કામાં પેકિંગમાં સુધારા થઈ શકે તેમ ન હોવાથી અમે ડીસ્ટ્રીબ્યુટરને સર્ક્યુલર મોકલ્યા છે. GST ટુ વ્યવસ્થિત રીતે અમલમાં આવતા આગામી ત્રણ મહિના જેટલો સમય લાગે તેવી સંભાવના છે.
આ પણ વાંચો :પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે પેરાસિટામોલ ખતરનાક? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વમાં ટેન્શન વધ્યું, મહિલાઓને આપી આ સલાહ
નાના વેપારીઓએ GST રજીસ્ટ્રેશન નંબર પણ લીધા નથી,ભારે અવઢવ :જયેશ તન્ના
રાજકોટમાં નાના વેપારીઓએ GST રજીસ્ટર નંબર પણ લીધો નથી, તેઓનું ટર્નઓવર 20 લાખથી નીચેનું હોવાથી આ વેપારીઓ GST માંથી બાકાત છે ત્યારે તેમના માટે સૌથી વધારે પ્રશ્ન સર્જાયો હોવાનું રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રવક્તા જયેશ તન્નાએ કહ્યું છે. તેમના મત અનુસાર જે વેપારીઓએ રજીસ્ટ્રેશન નંબર ન લીધો હોવાથી તેમને ઇનપુટ ટેકસ ક્રેડિટ પણ મળવાનો પ્રશ્ન ઉભો થતો નથી આથી તેઓ તેમના સ્ટોક પર કઈ રીતે ભાવ ઘટાડે છે તે જોવાનું રહ્યું..!! વધુમાં જણાવ્યું હતું કે એમ આર પી લેવલથી આ વેપારીઓ પાસે કઈ રીતે ડિસ્કાઉન્ટ ગ્રાહકોને અપાવવું તે અંગે ભારે અવઢવ સર્જાય છે,સરકારે અત્યારે બચત ઉત્સવ ની જાહેરાત કરી પરંતુ ગ્રાઉન્ડ લેવલે નાના કરિયાણાના અને ગ્રોસરીના વેપારીઓ પાસેથી અમલવારી કરાવવી કઠિન છે.
કોસ્મેટિકમાં GST ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ: કિશોર ગુરુબાણી
સાબુ,શેમ્પુ સહિતની કોસ્મેટિક પ્રોડક્ટ પર GSTમાં રાહત મળવાનું શરૂ થઈ ગયું છે જેમાં હોલસેલના વેપારી કિશોર ગુરૂબાણીના મત અનુસાર, આ રાહત લોકો સુધી પહોંચતા ત્રણ ચાર દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે ગઈકાલથી કંપનીમાંથી ડિસ્કાઉન્ટ મળતા હોલસેલના વેપારીઓએ ડિસ્ટ્રીબ્યુટરને ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દીધું છે. જેને ઉદાહરણ આપતા કહ્યું કે, ગોદરેજ નો સાબુ 145 રૂપિયામાં પડતો હતો,જેમાં કંપની તરફથી હોલસેલના વિક્રેતાઓને ડિસ્કાઉન્ટ સાથે 116 રૂપિયામાં અને અમે રિટેલર વેપારીઓને 105 રૂપિયામાં જ્યારે બજાજ હેર ઓઈલ 325 ની એમઆરપીમાંથી કંપની દ્વારા 190 અને અમે વેપારીઓને 150 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે વેચાણ કરી રહ્યા છે એવી જ રીતે અન્ય પ્રોડક્ટમાં પણ સારો એવો ઘટાડો થયો છે.
પરિવાર દીઠ દર મહિને રોજિંદી જીવનજરૂરી વસ્તુઓમાં 1000ની બચત થશે
રાજકોટમાં એક પરિવાર દીઠ દર મહિને 10,000 નો ખર્ચો રોજિંદી ચીજ વસ્તુઓ માટે થતો હોય છે જેમાં મુખ્યત્વે સાબુ, શેમ્પૂ, ફૂડ પ્રોડક્ટ વગેરેનો કન્ઝ્યુમર પ્રોડક્ટમાં સમાવેશ થતો હોય છે, પરિવાર દર મહિને રૂપિયા 10000 નો ખર્ચો થતો હોય છે, 5થી લઇ 18 ટકા સુધી GSTમાં રાહત મળતા હવેથી પરિવાર દીઠ દર મહિને સરેરાશ ₹1,000 અને 12 મહિને 12000 ની બચત થઈ શકશે.
ફ્લાઇટ અને હોટલભાડા ઘટશે,દિવાળીમાં ગ્રાહકોને પેકેજ પર રાહત
હોટેલ, ફ્લાઈટની ટિકિટોમાં GSTના દર 18% થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યા છે. સોમવારથી GST રાહત ની અમલવારી શરૂ થઈ ગઈ હોવાથી દિવાળી પર ગ્રાહકોને ટ્રાવેલ પેકેજમાં મોટી રાહત મળશે. 1000 રૂપિયા થી ઓછા ભાડા વાળી હોટલ રૂમ ટેક્સમુક્ત રહેશે, 1000 થી 7500 ની કિંમત ના હોટલના રૂમ પર GST નો 12% થી ઘટાડીને 5 ટકા ટેક્સ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત વધુ ભાડા સાથેની પ્રીમિયમ હોટલમાં 18% GST લાગશે.
