આવકવેરાના દર ઘટાડવા માટે કોના સમક્ષ માંગણી થઈ ? વાંચો
કેન્દ્રનું આગામી બજેટ ફેબ્રુઆરીમાં આવી જવાનું છે અને તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાનમાં આવકવેરા દરોમાં કાપ મૂકવાની માંગણી હવે વડાપ્રધાન સુધી પહોંચી ગઈ છે અને વડાપ્રધાન મોદીએ પણ ઘટતું કરવા ચર્ચા કરવાની ખાતરી આપી છે. સામાન્ય રીતે દર વખતે બજેટ પહેલા આવી માંગણીઓ શરૂ થઈ જાય છે.

એ જ રીતે નાણામંત્રી નિર્મલા સિતારમન કસ્ટમ ડ્યુટીના માળખામાં પણ મોટા ફેરફાર કરી શકે છે તેવું બહાર આવ્યું છે. કેટલીક ચીજો પરથી કસ્ટમ ડયુટી છૂટ પાછી પણ ખેંચાઇ શકે છે. વડાપ્રધાન મોદી દેશના અર્થશાસ્ત્રીઓને મળ્યા હતા અને સૂચનો માંગ્યા હતા. બજેટ અંગે એમણે મંત્રણા કરી હતી. અર્થતંત્ર વિષે પણ ચર્ચા થઈ હતી.
કસ્ટમ ડયુટીમાં ફેરફારની શક્યતા
અન્ય એક અહેવાલ મુજબ નાણા મંત્રાલય બજેટ 2025 માં ઘણા આયાતી માલ પર કસ્ટમ ડ્યુટી મુક્તિને દૂર કરવા પર વિચાર કરી રહ્યું છે. “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ દેશમાં ઉત્પાદન વધારવા માટે આ પગલું લેવામાં આવી શકે છે. જે માલસામાન પર આ છૂટ સમાપ્ત થઈ શકે છે તેમાં ઈન્સ્યુલિન બનાવવા માટે વપરાતી બલ્ક દવાઓ, લેબમાં ઉગાડવામાં આવતા હીરા માટેનો કાચો માલ, ઓપ્ટિકલ ફાઈબર બનાવવા માટે પ્લાસ્ટિક, એલઈડી અને એલસીડી ટીવીના ભાગો અને કોલસાનો સમાવેશ થાય છે.
જીવન રક્ષક દવાઓની પણ સમીક્ષા
આ સિવાય સરકાર જીવનરક્ષક દવાઓ, ટેલિકોમ ઓપ્ટિકલ ફાઈબર માટે જરૂરી રસાયણો અને રિન્યુએબલ એનર્જી અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં વપરાતા સામાનની પણ સમીક્ષા કરી રહી છે. હાલમાં, આ માલ પર કસ્ટમ ડ્યુટી 0-5%ના રાહત દરે વસૂલવામાં આવે છે. આ ડિસ્કાઉન્ટ સપ્ટેમ્બર 2025 સુધી માન્ય છે