મંદિરના ઘંટ અને મસ્જિદનાં લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ મુકો : સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ નરીમનનું આહવાન
સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ રોહિન્ટન નરીમને ધાર્મિક સ્થળોએ ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ લગાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યુ છે કે, મંદિર હોય કે મસ્જિદ દરેક સ્થળે લાઉડસ્પીકર લગાવવા ઉપર પ્રતિબંધ લાગુ કરવો જોઈએ. કારણ કે તે જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે.
લાઉડ સ્પીકર તેમ જ ઘંટ વગાડવાની પ્રક્રિયા લોકોના આરોગ્ય અને શાંતિપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેથી પક્ષપાતના આરોપમાંથી બચવા માટે દરેક ધર્મમાં સમાન રૂપે પ્રતિબંધનો કાયદો લાગુ કરવો જોઈએ.
તિરુવનંતપુરમ પ્રેસ કલબ દ્વારા આયોજિત ‘ ધર્મનિરપેક્ષ રાજ્યમાં બંધુત્વ : સાંસ્કૃતિક અધિકારો અને કર્તવ્યનું સંરક્ષણ ‘ એ વિષય ઉપર આયોજિત વ્યાખ્યાનમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, આ પ્રકારનો પ્રતિબંધ તમામ રાજ્યોમાં સમાન રીતે લાગુ કરવો જોઈએ જેથી કોઈ એમ ન કહે કે અમુકની તરફેણમાં કે અમુકની વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભગવાનને બહેરા કરવામાં આવે છે ?
જસ્ટીસ નરીમને કહ્યું કે, મને લાગે છે કે આજકાલ લોકો ધર્મનો અવાજ જોશભેર ઉઠાવીને ભગવાનને બહેરા બનાવે છે. કોઈ મસ્જિદના લાઉડ સ્પીકરમાં જોરજોરથી રાડો પાડે છે તો કોઈ મંદિરમાં જોરજોરથી ઘંટ વગાડે છે. આ બધું બંધ થવું જોઈએ જેથી સવાર સવારમાં લોકોને સમસ્યા ન થાય અને તેની નિંદરમાં અડચણ ન આવે.
