જામીન એ નિયમ છે જેલ એ અપવાદ
સિસોદિયાની જામીન કેસમાં સુપ્રીમ કોર્ટનું નિરીક્ષણ
હાઇકોર્ટ અને નીચલી અદાલતોએ કેટલાક તથ્યો નજર અંદાજ કર્યા હોવાની તીખી ટિપ્પણી
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ની જામીન અરજી મંજૂર કરતી વેળાએ સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ બી. આર. ગવઇ અને કેવી વિશ્વનાથનને ખંડપીઠે કેટલાક મહત્વના નિરીક્ષણ રજૂ કર્યા હતા. અદાલતે કહ્યું કે કોઈ વ્યક્તિને અમર્યાદ સમય સુધી જેલમાં રાખી શકાય નહીં. અદાલતે કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે તે નીચલી અદાલતો અને હાઇકોર્ટે સમજવું પડશે. નોંધનીય છે કે મનીષ સિસોદિયાએ દિલ્હી લીકર કેસમાં જામીન મેળવવા માટે નીચલી અદાલત અને દિલ્હી હાઇકોર્ટમાં કરેલી તમામ જામીન અરજીઓ એ અદાલતે ફગાવી દીધી હતી.
મને સિસોદિયાને ખૂબ લાંબા કાનૂની જંગ બાદ જામીન મળ્યા છે. 26 ફેબ્રુઆરી 2023 ના રોજ cbi એ તેમની ધરપકડ કરી હતી. એ પછી નવ માર્ચના રોજ ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી અને તે પછી જામીન મેળવવા માટેનો કાનૂની જંગ શરૂ થયો હતો.
એ દરમિયાન તેમને જામીન ન મળે તે માટે તપાસનીશ એજન્સીઓએ અનેક કાનૂની અને ટેકનિકલ મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
તપાસનીશ એજન્સીઓએ એવી દલીલ કરી હતી કે મનીષ સિસોદિયાએ cbi ના કેસમાં 13 વખત અને ઇડીના કેસમાં 14 વખત અરજી કરી હતી અને પરિણામે ટ્રાયલ શરૂ થવામાં વિલંબ થયો હતો. સર્વોચ્ચ અદાલતે જોકે એ દલીલ ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું કે ઇડીએ આ કેસમાં આઠ ચાર્જશીટ દાખલ કરી હતી અને જુલાઈ મહિનામાં તપાસ પણ પૂરી થઈ ગઈ હતી. અદાલતે સવાલ કર્યો કે તો પછી ટ્રાયલ કેમ શરૂ નથી થઈ? નીચલી અદાલતે અને હાઇકોર્ટે આ તથ્ય નજર અંદાજ કર્યા હોવાની સુપ્રીમ કોર્ટે ટીકા કરી હતી.
કોઈને અમર્યાદ સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય નહીં
મનીષ સિસોદિયા ને જામીન ન આપવાના ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા અંગે ટિપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ કેસમાં હજારો દસ્તાવેજો રજૂ કરાયા છે.407 સાક્ષીઓના નિવેદનો લેવાયા છે. આગામી દિવસોમાં આ કેસનો અંત આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી અને આવા સંજોગોમાં સિસોદિયા ને જેલમાં રાખવા તે સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલંકન છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે એ સિદ્ધાંત બધી અદાલતો એ સમજવો જોઈએ.
સર્વોચ્ય અદાલતમાં ત્રીજી અરજી બાદ જામીન પર છુટકારો થયો
નીચલી અદાલત અને હાઇકોર્ટે જામીન અરજીઓ ફગાવી દેતા મને સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. જો કે સુપ્રીમ કોર્ટમાં પણ છેક ત્રીજી અરજી બાદ તેમને જામીન મળ્યા છે. ગયા વર્ષે, ઑક્ટોબર 30 ના રોજ ટોચની અદાલતે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ જો ટ્રાયલ આગામી છથી આઠ મહિનામાં પૂર્ણ ન થાય અથવા ગોકળગાયની ગતિએ આગળ વધે તો તેને તેની જામીન અરજીને પુનર્જીવિત કરવાની મંજૂરી આપી હતી.એ પછી છ મહિના સુધી ટ્રાયલ શરૂ ન થતાં સિસોદિયાએ હાઇકોર્ટ અરજી કરી હતી. 21મી તારીખે હાઇકોર્ટેએ અરજી ફગાવી દીધી હતી.તેની સામે જૂન મહિનામાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. એ સમયે ઇડી એ 3 જલાઈ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની ખાતરી આપતા સર્વોચ્ચ અદાલતે કેસની ગુણવત્તાના આધારે સિસોદિયા ની અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં જુલાઈ મહિનામાં સિસોદિયાએ સર્વોચ્ચ અદાલતમાં ત્રીજી વખત અરજી કરી હતી.
આટલી વખત જમીન અરજી નામંજૂર થઈ
31 માર્ચ 2023: સીબીઆઇના કેસમાં ટ્રાયલ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી
28 એપ્રિલ 2023: રાઉઝ એવન્યુ કોર્ટે ઈડીના કેસમાં જામીન અરજી ફગાવી
30 મે 2023: સીબીઆઇના કેસમાં દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી
3 જુલાઈ 2023: ઇડીના કેસમાં દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી નામંજૂર કરી
30 ઓક્ટોબર 2023: સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં જામીન નામંજૂર કર્યા
30 એપ્રિલ 2024: ટ્રાયલ કોર્ટે અરજી ફગાવી દીધી
21 મે 2024: દિલ્હી હાઇકોર્ટે જામીન નામંજૂર કર્યા
4 જૂન 2024: સુપ્રીમ કોર્ટે જામીન ના મંજૂર કર્યા પરંતુ પુનર વિચાર માટે દરવાજો ખુલ્લો રાખ્યો.
અંતે 9 ઓગસ્ટ 2024 ના રોજ સર્વોચ્ચ અદાલતે જામીન મંજૂર કર્યા.