સાવધાન..હવે જીએસટી કાઉન્સિલે લીધો આ નિર્ણય.. જુઓ
કેન્દ્ર સરકાર હવે દરેક બાબતમાં ચોકસાઇ રાખવા માંગે છે અને ખાસ કરીને જીએસટીની બાબતમાં હજુ પણ કેટલાક સાહસિક પગલાં લેવા માંગે છે . કહેવાનું તાત્પર્ય એ છે કે હવે જીએસટી ડેટાને સરકારી એજન્સીઓ સાથે શેર કરવાની તૈયારી ચાલી રહી છે.
આ બારામાં નિર્ણય પણ લેવાઈ ગયો હોવાનું સીએનબીસીના એક અહેવાલમાં જણાવાયું હતું. એટલું જ નહીં પણ ખાસ સ્થિતિમાં પર્સનલ ડેટા પણ શેર કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે એમ માનવામાં આવે છે કે આ પગલાં સામે દેશમાં વિરોધનો સૂર બુલંદ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટીએન પાસે તમામ જીએસટી કરદાતાઓના બિઝનેસ સંબંધિત સંવેદનશીલ ડેટા ઉલબ્ધ હોય છે. જીએસટી કાઉન્સિલ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી પણ અપાઈ ગઈ છે. તાજેતરમાં જ મળેલી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા અને સાથે આ પ્રસ્તાવ અંગે પણ ચર્ચા થઈ હતી અને તેને મંજૂરી આપી દેવાઈ હતી.
થોડા સમય પહેલા જ એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ખાસ સ્થિતિમાં સરકારી એજન્સીઓ, મંત્રાલયો અને સરકારી એકમો સાથે વ્યક્તિગત જાણકારી શેર કરવા સહિત જીએસટી ડેટા શેરિંગ અંગે વિચાર થવાનો છે. આ સંકેતો પહેલા જ મળી ગયા હતા.
હવે સરકાર જીએસટી ભરનારા બધા જ લોકો પર એજન્સીઓ દ્વારા બાજ નજર રખાવશે અને બધાની પર્સનલ જાણકારી પણ મેળવી શકશે. તાજેતરમાં જ મોટા પાયે જીએસટી ચોરી પણ બહાર આવી હતી. હવે સરકાર બિઝનેસ કરનારાઓના પર્સનલ વ્યવહાર પણ ચેક કરવા માંગે છે.