મધ્યપ્રદેશમાં યુપીનાં પ્રધાનના કાફલા પર હુમલો: સુરક્ષાકર્મીઓને માર માર્યો, હાઇવે પર બબાલ
મધ્યપ્રદેશમાં ગ્વાલિયર – ડાબરા હાઇવે પર 10 થી 15 લોકોએ ઉત્તર પ્રદેશના શ્રમ અને સેવા આયોજન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનોહરલાલ પંથ ના કાફલા પર હુમલો કરી તેમના સુરક્ષાકર્મી તથા અંગત સ્ટાફને માર માર્યો હતો. ટોળું સુરક્ષા કર્મચારીની રિવોલ્વર ઝૂંટવીને ભાગી ગયું હતું જે બાદમાં જપ્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મનોહરલાલ પંથ આગ્રામાં એક કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે
ગ્વાલિયર ડાબરા હાઇવે પર એક ઢાબા નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો. એ દરમિયાન એક બાઈક સવારે ઓવરટેક કરવાની કોશિશ કરતા મંત્રીના સુરક્ષા કર્મચારી સર્વેશ કુમારે તેને લાફો મારી દીધો હતો.
તેની થોડી મિનિટો બાદ બાઈક સવાર 10 થી 15 લોકોને લઈ અને આવ્યો હતો અને મંત્રીની ગાડીને ઘેરી લીધી હતી. મંત્રીના સુરક્ષા કર્મચારીઓ તથા અંગત સ્ટાફને ગાડીમાંથી નીચે ઉતારી ટોળાએ ઢોર માર માર્યો હતો અને બાદમાં સિક્યુરિટી સ્ટાફની નાઇન એમએમ રિવોલ્વર તથા 10 કારતુસની લૂંટ ચલાવી ટોળું નાસી ગયું હતું.
ઘટનાની જાહેર થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાંજ સુધી હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી અને અંતે બે શખ્સોની ધરપકડ કરી રિવોલ્વર પરત મેળવવામાં પોલીસને સફળતા મળી હતી.