ડોડામાં હંગામી લશ્કરી શિબિર પર હુમલો: બે જવાનો ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં ત્રણ સ્થળે એન્કાઉન્ટર
કુપવાડામાં બે આતંકવાદી ઠાર મરાયા
જમ વિસ્તારમાં આતંકવાદી હુમલાઓની વધેલી ઘટના બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓનો જડમૂળમાંથી ખાતમો કરવા માટે મોટું ઓપરેશન હાથ કર્યું છે. બુધવારની મોડી રાત અને ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં ત્રણ સ્થળે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એનકાઉન્ટર થયું હતું જેમાં બે આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા અને સામા પક્ષે બે જવાનો ઘાયલ થયા હતા.
સેનાના જણાવવાનું અનુસાર કાસ્થિગઢ વિસ્તારના જદનબાગ ગામમાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓએ એક શાળામાં ઊભી કરવામાં આવેલ લશ્કરની હંગામીશિબિર પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળના જવાનો અને આતંકીઓ વચ્ચે એક કલાક સુધી ગોળી યુદ્ધ ચાલ્યું હતું. આ હુમલામાં બે જવાનો ઘાયલ થયા હતા. ડોડા જિલ્લામાં જ અન્ય એક સ્થળે પણ સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર થયું હતું.
બીજી તરફ કુપવાડાના કેરેન વિસ્તારના જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને એ દરમિયાન મુઠભેડ થતા બે આતંકવાદીઓને ઠાર મારી નાખ્યા હતા.
છત્તીસગઢમાં બે જવાનો શહીદ
છત્તીસગઢના વિજાપુર જિલ્લાના તારેમ વિસ્તારના જંગલમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનો સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે બુધવારે રાત્રે માવો ઉગ્રવાદીઓએ પાઇપ બોમ્બ વડે કરેલા વિસ્ફોટમાં બે જવાનો શહીદ થયા હતા અને ચાર જવાનો ઘાયલ થયા હતા