આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી
‘આપ’ ના ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે વરણી: હાલમાં પણ 14 વિભાગો સંભાળે છે
દિલ્હીની કાલકાજી બેઠકના ધારાસભ્ય આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની અરવિંદ કેજરીવાલે જાહેરાત કર્યા બાદ મંગળવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યપત્રી પદ માટે તેમણે આતિશીના નામની દરખાસ્ત કરી હતી જેનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો હતો. આતિશી 26 અને 27 સપ્ટેમ્બર ના રોજ દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.
મુખ્યમંત્રી પદ માટે ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ તથા અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ના નામ પણ ચર્ચામાં હતા પરંતુ ધરણા મુજબ જ અંતે આતિશીના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષયમાં માસ્ટરની ડિગ્રી ધરાવતા આતિશીએ દિલ્હીનું શૈક્ષણિક માળખું સુધારવામાં મહત્વનું પ્રદાન આપ્યું હતું. 2018માં તેમણે શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. 2023 ના માર્ચ મહિનામાં દિલ્હી સરકારના મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ થયા બાદ તેમને અને સૌરભ ભારદ્વાજને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમણે આક્રમક રીતે મોરચો સંભાળ્યો હતો અને આમ આદમી પાર્ટીના સૌથી દિગ્ગજ અને જાણીતા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેઓ હાલમાં પણ એજ્યુકેશન, ફાઇનાન્સ, હેલ્થ,પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ,પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ સહિત 14 વિભાગો સંભાળી રહ્યા છે.
સાત વર્ષ સુધી ગામડામાં કામ કર્યું, પાણી મુદ્દે ઉપવાસ આંદોલન કર્યું હતું
આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા આતિશીએ મધ્યપ્રદેશના એક ગામડામાં વિવિધ એનજીઓ સાથે જોડાઈ અને ઓર્ગેનિક ફાર્મિંગ તથા પ્રોગ્રેસીવ એજ્યુકેશનલ સિસ્ટમ માટે કામ કર્યું હતું. દિલ્હીને હરિયાણા તરફથી દરરોજ 100 મિલિયન ગેલન પાણી ન મળવાના મુદ્દે તેમને હરિયાણા સરકાર સામે ઉપવાસ આંદોલન કર્યું હતું અને તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
