આસામ પોલીસ રાહુલ ગાંધીને સમન્સ મોકલશે
ભારત જોડો ન્યાય યાત્રા સમયે થયેલા તોફાન બદલ રાહુલ ગાંધી સામે ગુનો નોંધાયો છે
ગુવાહાટીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલા તોફાનોની તપાસ માટે આસામ સીઆઈડી દ્વારા રાહુલ ગાંધીને પૂછપરછ માટે ઉપસ્થિત થવા સમન્સ પાઠવવામાં આવશે.
જાન્યુઆરી મહિનામાં આસામમાં પ્રવેશેલી એ યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. યાત્રાને રોકવા માટે શહેરના પ્રવેશ દ્વાર પર પોલીસ બેરીકેડસ લગાવી દેવામાં આવી હતી. એ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ બેરીકેડસ ઉખાડીને ફેંકી દેતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસે લાઠી ચાર્જનો આશરો લીધો હતો.
એ બનાવ અંગે પોલીસે રાહુલ ગાંધી સહિત ટોચના કોંગ્રેસી નેતાઓ સામે નામ જોગ ગુનો દાખલ કર્યો હતો. આસામના મુખ્યમંત્રી હિંમત બિશ્વા સરમાએ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત જોડો ન્યાય યાત્રામાં આસામ સરકારે વિઘ્નો ઊભા કર્યા હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી હતી. યાત્રા દરમિયાન અનેક વિવાદ થયા હતા.નિર્ધારિત રૂટ ને બદલે બીજા રસ્તા પર યાત્રા લઈ જવા અંગે પણ આસામ પોલીસે કોંગ્રેસના આસામના પ્રમુખ ભૂપેન કુમાર બોહરા સામે અલગથી ગુનો નોંધ્યો હતો.હવે રાહુલ ગાંધીને પણ સમન્સ મોકલવાનું તા રાજકીય વિવાદ વકરવાની સંભાવના છે.
