કમાતી પત્ની પાસેથી ઘર ખર્ચ માંગવો એ ક્રુરતા નથી : કોલકત્તા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
જો પરિવારની પુત્રવધુ નોકરી કરતી હોય કે પછી વ્યવસાયિક આવક મેળવતી હોય તો તેની કમાણીમાંથી ઘર ખર્ચ માટે પૈસાની માંગણી કરવી એ ક્રુરતા નથી તેવું કોલકત્તા હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે. એક મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ હેરાન કરવા અને પૈસા માંગવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, કોલકાતા હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે, કામ કરતી પત્નીની કમાણીમાંથી ખર્ચ માટે પૈસા માંગવા એ ક્રૂરતા નથી.
આ મહિલાની અરજી ફગાવી દેતા, કોલકાતા હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘શિક્ષિત, કમાતી મહિલા પાસેથી ઘરના ખર્ચમાં ફાળો આપવાની અપેક્ષા રાખવી એ ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ ‘ક્રૂરતા’ નથી.’ હકીકતમાં, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણમાં કામ કરતા એક પુરુષ અને તેના માતાપિતા પર તેની પત્ની દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આમાં, તેની વિરુદ્ધ માનસિક ઉત્પીડન અને SC & ST કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :1.72 લાખનો ગાંજો 5.76 લાખમાં વેંચે તે પહેલાં જ રાજકોટ SOGએ ચાર શખ્સોને પકડી પાડયા
આ કેસની સુનાવણી કરતી વખતે, ન્યાયાધીશ અજય કુમાર ગુપ્તાએ કહ્યું કે, ‘વિવાહિત જીવનમાં આ સ્વાભાવિક છે. પતિ-પત્ની બંનેએ પરસ્પર આદર જાળવવો જોઈએ, જવાબદારીઓ વહેંચવી જોઈએ અને સમાજના કલ્યાણમાં યોગદાન આપવું જોઈએ. બીજો પક્ષ (પત્ની) એક શિક્ષિત અને કમાતી મહિલા છે. લોકડાઉન દરમિયાન પત્ની દ્વારા ઘરના ખર્ચમાં ફાળો આપવાની, ઓનલાઈન ખરીદી કરવાની અથવા સાસુ દ્વારા બાળકને ખવડાવવાનું કહેવાની અપેક્ષા, કોઈપણ રીતે, ભારતીય દંડ સંહિતાની કલમ 498A ના અર્થમાં ‘ક્રૂરતા’ ગણી શકાય નહીં.
કોર્ટે વધુમાં કહ્યું કે, ‘જો ઘરની માલિકી બંને દ્વારા વહેંચાયેલી હોય, તો તેના EMI ની ચુકવણી પતિની નથી, પત્ની પણ સમાન હિસ્સેદાર છે. જો પતિ EMI ચૂકવવા માટે તેની પાસેથી પૈસા માંગે છે અથવા પિતા બાળકને બહાર લઈ જાય છે, તો આ ગૃહજીવનમાં ગુના નથી.
મહિલા પણ તેના પતિ સાથે GSI માં નોકરી કરે છે. બંનેના લગ્ન 2011 માં થયા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં, તેણીએ દાવો કર્યો હતો કે, તેનો પતિ “અધીર, આક્રમક, અસહાય, ક્રૂર, બેજવાબદાર, અસંવેદનશીલ, ટોણા મારનાર, માંગલીક, નાર્સિસ્ટિક, ઘમંડી અને અન રોમેંટિક” છે. તેણીએ આરોપ લગાવ્યો હતો કે, તેના પતિ અને તેના માતાપિતા તેના દેખાવ પર ટિપ્પણી કરતા હતા અને નીચી જાતિના હોવાનો આરોપ લગાવતા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે, તેઓએ તેના પર હોમ લોન EMI ચૂકવવા દબાણ કર્યું હતું, તેણીને અને તેના બાળકને પૂરતું ખોરાક, કપડાં અને દવાઓ આપી ન હતી. તેણીને ઓનલાઈન ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે, “કાયદો સ્પષ્ટ છે કે, આંતરિક ઝઘડાના દરેક કેસને IPCની કલમ 498A હેઠળ ‘ક્રૂરતા’ ગણવામાં આવતો નથી…” કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો કે, જો મહિલાની જાતિ માટે જાહેરમાં મજાક ઉડાવવામાં ન આવે, તો તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ આવશે નહીં.”