મેડિકલ ઓફિસરની હઠે આશા વર્કરનો જીવ લીધો !
કોઠારિયા રોડના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં કર્મીની તબિયત ખરાબ હોવા છતાં ધરાર' મિટિંગમાં બોલાવ્યા, રડાવ્યા'ને વધુ તબિયત બગડતાં રવાના કર્યા
૧૦ વર્ષનો પુત્ર બન્યો નોધારો, મેડિકલ ઓફિસર યાસ્મીન ઉપર પરિવારજનોએ વરસાવ્યો ફિટકાર: મનપા કચેરીમાં આશા વર્કરોનું હલ્લાબોલ
રાજકોટમાં એક બાજુ રોગચાળો આતંક મચાવી રહ્યો છે જેને કાબૂમાં કરવા માટે આરોગ્ય તંત્ર ઉંધા માથે થઈ જવા પામ્યું છે. બીજી બાજુ નીચેના સ્ટાફને
દોડતો’ રાખીને પોતે હંમેશા એ.સી.ચેમ્બરમાં બેસીને ઓર્ડર કરવા માટે ટેવાઈ ગયેલા ઉપરી અધિકારીઓની જોહુકમી કેટલી મુશ્કેલી નોતરે છે તેનું જીવંત ઉદાહરણ એક આશા વર્કરના મૃત્યુ પરથી મળી રહ્યું છે.
મેડિકલ ઓફિસર દ્વારા આશા વર્કરને સખ્ત તાવ હોવા છતાં બેઠકમાં ધરાર' બોલાવ્યા બાદ આશા વર્કરની તબિયત વધુ બગડતાં તેમને તાત્કાલિક ઘેર મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી સીધા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
હાલ આશા વર્કરના મૃત્યુ પાછળ શંકાસ્પદ ડેંગ્યુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મહાપાલિકા કચેરીમાં દર શનિવારે દરેક આરોગ્ય કેન્દ્રના આશા વર્કરની મિટિંગ બોલાવવામાં આવે છે. આ મિટિંગમાં કામગીરીની વહેંચણી સહિતની કાર્યવાહી કરાય છે. દરમિયાન છેલ્લા બે વર્ષથી કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતાં નયનાબેન આશીષભાઈ મોલિયા (ઉ.વ.૩૫) કે જેમની તબિયત ૧૨ સપ્ટેમ્બરથી અત્યંત ખરાબ હતી. આ પછી ૧૪એ શનિવારે મિટિંગ હોવાથી તેમને ફરજિયાત હાજર રહેવાનું કહેવામાં આવતાં તેમણે મેડિકલ ઓફિસર યાસ્મીબેન બાથાણીને પોતાની તબિયત ખરાબ હોવાને કારણે હાજર નહીં રહી શકે તેવું કહ્યું હતું.
જો કે યાસ્મીનબેન દ્વારા
તમારે મિટિંગમાં આવવું જ પડશે’ તેવું કહેતાં તબિયત ખરાબ હોવા છતાં નયનાબેન બેઠકમાં હાજર રહ્યા હતા. આ વેળાએ તેમની તબિયત વધુ ખરાબ હોવાથી તેમણે ઘેર જવા પરવાનગી માંગી હતી જે મળી ન્હોતી. આ પછી ચાલું મિટિંગે તેમની તબિયત બગડતાં પેરાસીટામોલ સહિતની દવા આપી તેમને ઘેર રવાના કરાયા હતા.
ઘેર આવ્યા બાદ નયનાબેનની તબિયત વધુ બગડતાં તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક નયનાબેનને ૧૦ વર્ષનો પુત્ર હોવાનું અને પતિ આશીષભાઈ મોલિયા મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
મારી ભત્રીજાવહુ કરગરી, રડી છતાં તેને રજા ન અપાઈ
આ અંગે મૃતક નયનાબેનના કાકાજીસસરા હસુભાઈ મોલિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે નયનાબેનની તબિયત ખરાબ હોવા છતાં તેઓ મિટિંગમાં હાજર રહ્યા હતા પરંતુ તેઓ બેસી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી રજા આપવા માટે કરગર્યા હતા, રડ્યા હતા છતાં મેડિકલ ઓફિસર યાસ્મીન દ્વારા તેને રજા અપાઈ ન્હોતી.
તપાસનો આદેશ આપ્યો છે, બધાના નિવેદન લેવાશે: ડૉ.વંકાણી
મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણીએ જણાવ્યું કે આ ઘટના બન્યા બાદ એ સમયે મિટિંગમાં હાજર તમામ લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ઓફિસરે કોઈ હઠાગ્રહ રાખ્યો હતો કે કેમ તેની પણ તપાસ કરાશે.