હું જીવિત છું ત્યાં સુધી મુસ્લિમોને ધર્મના આધારે અનામત અપાશે નહીં: મોદી
વડાપ્રધાને હૈદ્રાબાદમાં સભા સંબોધી: ત્રીજા કાર્યકાળમાં બહુ મોટા કામ થશે
લોકસભાની ચુંટણી માટે પ્રચાર ગતિશીલ બનાવીને હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. અહીં એમણે જંગી સભાને સંબોધન કર્યું હતું.
એ જ રીતે મેડક જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ ખાતરી આપી હતી કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં બંધારણના 75 વર્ષની ઉજવણી કરશે.
તેલંગાણાના મુખ્યપ્રધાન રેવન્ત રેડ્ડી પર આકરા પ્રહારો કરતાં મોદીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં ડબલ આર (આરઆર) ટેક્સ દ્વારા એકત્ર કરાયેલું નાણું દિલ્હી મોકલવામાં આવે છે.
આ ટિપ્પણી ‘RRR’ નામની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મનો ઉલ્લેખ કરતી વખતે કરી હતી, જેણે વૈશ્વિક પ્રશંસા મેળવી હતી. નકલી વીડિયો મુદ્દે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા અને સમાજમાં તણાવ પેદા કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ સત્તામાં આવશે તો 55 ટકા વારસાગત કર લાદશે એવો આક્ષેપ કરતાં વડાપ્રધાને કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યું હતું, ત્યારે ભારત અગાઉની યુપીએ સરકારમાં નીતિગત લકવાથી પીડાતું હતું. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ વારસાગત ટેક્સ લાવશે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ અડધાથી વધુ એટલે કે 55 ટકા વારસાગત કર તરીકે વસૂલવાની યોજના બનાવી રહી છે.