વિમાનમાં મુસાફરી કરો છો? તો હવે ફ્લાઈટમાં પસંદગીની સીટ માટે હવે વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે, પેસેન્જર્સને મોટી રાહત
વિમાનમાં મુસાફરી કરો છો..? તો હવે પસંદગીની સીટ માટે એરલાઈન કંપનીઓને ચાર્જ નહિ ચૂકવવો પડે અને પીએનઆર પર પેસેન્જર્સને મોટી રાહત મળી છે.સિવિલ એવિએશન મંત્રાલયે હવાઈ મુસાફરોને મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે ફ્લાઈટમાં સીટ પસંદ કરવા માટે લેવાતા વધારાનાં ચાર્જ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નવી ગાઈડલાઈન મુજબ એરલાઇન્સ કંપનીઓએ દરેક ફ્લાઈટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટ મુસાફરોને કોઈપણ વધારાના શુલ્ક વિના ઉપલબ્ધ કરાવવી પડશે. આ પગલાથી વેબ ચેક-ઈન દરમિયાન વસૂલાતા હિડન ચાર્જમાં ઘટાડો થશે અને મુસાફરી વધુ સસ્તી બનશે.નવા નિયમો અનુસાર, એક જ પીએનઆર પર મુસાફરી કરતા મુસાફરોને સાથે અથવા નજીકની સીટ આપવાની એરલાઇન્સ માટે ફરજિયાત રહેશે. પરિવાર અથવા ગ્રુપમાં મુસાફરી કરતા લોકોને ખાસ ફાયદો મળશે, કારણ કે અત્યાર સુધી સાથે બેસવા માટે વધારાનો ખર્ચ કરવો પડતો હતો.
આ ઉપરાંત, મંત્રાલયે એરલાઇન્સને રમતગમતના સાધનો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વઅને પાલતુ પ્રાણીઓને લઈ જવા સંબંધિત નીતિઓ વધુ પારદર્શક બનાવવા સૂચના આપી છે. મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપતા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે ક, ફ્લાઈટ મોડી પડે કે રદ થાય તેવા સંજોગોમાં મુસાફરોના અધિકારોનું કડક પાલન થવું જોઈએ.
એરલાઇન્સ કંપનીઓએ હવે મુસાફરોના અધિકારો અંગેની માહિતી પોતાની વેબસાઇટ અને એરપોર્ટ કાઉન્ટર પર પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવી પડશે. દેશમાં હવાઈ ઉડાન વધી રહી છે ત્યારે જેને ધ્યાનમાં રાખીને સરકાર ‘ઉડાન યાત્રી કેફે’ અને મફત વાઈ-ફાઈ જેવી સુવિધાઓ દ્વારા મુસાફરીને વધુ સરળ અને સસ્તી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ડોમેસ્ટિક ફલાઈટમાં પસંદગીની સીટ માટે પેસેન્જર્સએ રૂ.199 થી લઈ 1500 અને ઈન્ટરનેશનલ ફલાઈટમાં 3500 થી 7000 જેટલો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડે છે.
