ઉનાળામાં તમે પણ ફરવા જવાના છો ? તો જરા આ માહિતી સાથે રાખો..
શિમલા-મનાલી નહીં આ વખતે અયોધ્યા, પૂરી અને વારાણસી તરફ પ્રવાસીઓનો વધુ ઝોક
ઓનલાઈન સર્ચ સૌથી વધુ આ તીર્થસ્થળો માટે થયા છે: આંતરરાષ્ટ્રીય સ્થળોમાં લોકોને બાકુ, અલમાટી અને લક્ઝમબર્ગ તરફ વધુ રસ દેખાઈ રહ્યો છે: અયોધ્યા જનારાની સંખ્યા ખૂબ જ વધી રહી છે
ઉનાળો બરાબર પોતાની સખ્તાઈ બતાવી રહ્યો છે અને બીજી બાજુ વેકેશન છે ત્યારે પરિવારના સભ્યો ફરવા જવા માટે ઉતાવળા હોય જ તે સમજી શકાય છે. હવે ક્યાં ફરવા જવું તે માટે પરિવાર ચર્ચા કરે છે અને પુરુષો ઓનલાઈન સર્ચમાં લાગી જાય છે. હવે તમને અમે આ બારામાં એક ઉપયોગી માહિતી આપી રહ્યા છીએ.
આ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં અયોધ્યા, લક્ષદ્વીપ અને નંદી હિલ્સ જેવા સ્થળો માટે લોકોએ ભારે રસ દાખવ્યો છે, જ્યારે ગોવા માટે ઓનલાઈન શોધમાં સૌથી વધુ રસ દર્શાવ્યો છે. ઉનાળાની મુસાફરી સાથે સંબંધિત આ ટ્રેન્ડ આ વખતે બદલાયેલા દેખાય છે. ઓનલાઈન ટ્રાવેલ સંબંધિત સેવાઓ પૂરી પાડતા પ્લેટફોર્મએ ઉનાળાની મુસાફરીના ટ્રેન્ડ પર જાહેર કરેલા તેના અહેવાલમાં આ વાત કહી છે.
ઉનાળાની સખત ગરમીમાં લોકો ફરવા નીકળી જાય છે અને વિશ્વભરમાં ગુજરાતીઓ ફરે છે. જો કે હવે પૂરી અને વારાણસી તરફ પ્રવાસીઓનો ધસારો રહ્યો છે. અયોધ્યા જનારા પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે. શિમલા મનાલી કરતાં લોકો આ તીર્થસ્થાનો અંગે માહિતી મેળવી રહ્યા છે. ઓનલાઈન સર્ચ કરી રહ્યા છે.
ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં માર્ચ-એપ્રિલ 2024ના ડેટાના વિશ્લેષણમાં ભારતીય પ્રવાસીઓની મુસાફરીની પસંદગીઓ એક અહેવાલમાં દર્શાવવામાં આવી છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે પુરી અને વારાણસી આ ઉનાળામાં ઓનલાઈન સૌથી વધુ સર્ચ કરાયેલા તીર્થસ્થાનો છે, જ્યારે અયોધ્યા વિશે માહિતી એકત્ર કરવાનો દર ઝડપથી વધ્યો છે.
ભારતીયો ક્યાં આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરવા માગે છે?
મેક માય ટ્રીપના ડેટા અનુસાર, ઓનલાઈન શોધમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવતા આંતરરાષ્ટ્રીય સ્થળો બાકુ, અલ્માટી અને નાગોયા છે. લક્ઝમબર્ગ, લેંગકાવી અને અંતાલ્યા તરફ પ્રવાસીઓની રુચિ પણ વધી રહી છે. આ ઉપરાંત, 2023 ના ઉનાળાની તુલનામાં આ વર્ષે પારિવારિક મુસાફરી સેગમેન્ટમાં 20 ટકાનો વધારો થયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન એકલા પ્રવાસીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે.
ઉનાળાની રજાઓ શ્રેષ્ઠ આવકનો સ્ત્રોત
મેકમાયટ્રિપના સહ-સ્થાપક અને ગ્રૂપ સીઇઓ રાજેશ મેગોએ જણાવ્યું હતું કે, “ઉનાળો હંમેશા પ્રવાસના હેતુઓની દ્રષ્ટિએ વર્ષના સૌથી મોટા ત્રિમાસિક ગાળામાંનો એક છે અને આ વર્ષે પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. “અમે ગયા વર્ષની સરખામણીમાં આને લગતી શોધોમાં તંદુરસ્ત વધારો જોઈ રહ્યા છીએ.”
