અમે બધા ચોર અને એ બધા સંત? મમતા બેનર્જી ભડક્યા, જુઓ
હેમંત સોરેનની ધરપકડ સંદર્ભે કર્યો સવાલ
ભાજપના નેતાઓને સૌથી મોટા ચોર ગણાવ્યા
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઇડીએ જમીન ગોટાળામાં ધરપકડ કર્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જો ‘પોતાની ધરપકડ થશે તો ગમે તેમ કરીને બહાર આવી જશે ‘ એવો પડકાર ફેંક્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ એક પછી એક વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ મોકલી રહ્યો છે. વિપક્ષે નેતાઓને જેલમાં ધકેલીને સત્તા મેળવવાનું ભાજપનું કાવતરું છે.
તેમણે એવો સવાલ કર્યો હતો કે અમે બધા ચોર છીએ તો શું એ બધા સંત છે? એ લોકો તો મોટામાં મોટા ચોર છે. જે સૌથી વધારે બુમ બરાડા પાડે છે તે જ સાચા દોષિત છે. ભાજપ તરફ ઈશારો કરીને તેમણે કહ્યું કે આજે તેઓ સત્તા ઉપર છે એટલે ઈડીને સાથે રાખીને આ કામ કરી રહ્યા છે પણ કાલે સત્તા નહીં હોય ત્યારે તેમનું બધું ખતમ થઈ જશે.
નોંધનીય છે કે બંગાળમાં પણ તૃણમુલ કોંગ્રેસના અનેક નેતાઓ અને પ્રધાનો સામે વિવિધ કૌભાંડો બદલ ઈડી સહિતની એજન્સીઓની તપાસ ચાલુ છે. એવા સમયે મમતાએ પોતાની પણ ધરપકડ થવાની પરોક્ષ રીતે સંભાવના દર્શાવતા ચકચાર જાગી છે.