કાશ્મીરમાં વધુ એક પર પ્રાંતિયશ્રમિક ઉપર આતંકવાદી હુમલો
કાશ્મીરમાં પરપ્રાંતિય શ્રમિકો પરના હુમલાનો વધુ એક બનાવ બન્યો છે. આતંકવાદીઓએ શુક્રવારે ત્રાલ જિલ્લાના બાતાગુંત ગામમાં ઉત્તરપ્રદેશના બીજનોરના શુભમ કુમાર નામના 19 વર્ષના યુવાન ઉપર ગોળીબાર કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અઠવાડિયામાં જ પરપ્રાંતિય શ્રમિકો પરના હુમલાની આ ત્રીજી ઘટના હતી. બનાવ બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દરમિયાનમાં 20 ઓક્ટોબરના રોજ ગંદરબાર જિલ્લાના સોનમર્ગ નજીક એક તબીબ અને છ પરપ્રાંતીય મજૂરોની હત્યા કરનાર આતંકવાદીઓ સીસીટીવી ફૂટેજ માં કેદ થઈ ગયા હતા. આતંકવાદીઓએ અમેરિકન બનાવટની એમ ફોર કાર્બાઇડ રાયફલ તથા એકે ફોર્ટી સેવન રાઈફલ સાથે હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે. સીસીટીવી ફૂટેજમાં બંને આતંકીઓ કેમ્પમાં પ્રવેશતા દેખાય છે. નોંધનીય છે કે આ હુમલા ની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયાબા સાથે સંકળાયેલ આતંકવાદી સંગઠન ટીઆરએસ એ લીધી હતી.
જમ્મુ કાશ્મીરમાં પરપ્રાંતીય મજૂરી પરના હુમલાને કારણે ભારે ભયનો માહોલ છવાયો છે અને અનેક શ્રમિકો ઉચાળા ભરવા લાગ્યા છે. રવિવારે સાત લોકોનો ભોગ લેનાર આતંકી હુમલા ઉપરાંત 18મી ઓક્ટોબરે પણ સોપિયાન અને જિલ્લામાં બિહારના અશોક ચૌહાણ નામના યુવાનને ઠાર મારવામાં આવ્યો હતો. અગાઉ એપ્રિલ મહિનામાં અનંતનાગ જિલ્લામાં પણ એક પરપ્રાંતિય શ્રમિકનું આતંકી હુમલામાં મૃત્યુ થયું હતું.