બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો : ઈસ્કોન સેન્ટરમાં આગ ચાંપી, મૂર્તિ સહિતની વસ્તુઓ બળીને ખાખ
બાંગ્લાદેશમાં હિન્દુઑ અને એમના ધર્મસ્થાનો વિરુધ્ધ હિંસા અટકવાના કોઈ સંકેત નથી. આ હિસા વચ્ચે ઢાકામાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસના નમહટ્ટા સેન્ટરમાં આગ લગાવ્યાની ઘટના સામે આવી હતી. જેનાથી ઈસ્કોન નમહટ્ટા સેન્ટરમાં રાખેલી અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ સતત હુમલા થઈ રહ્યા છે અને કટ્ટરપંથીઓ દ્વારા ઘણાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર સતત હુમલાઓ થઈ રહ્યા છે. હિન્દુઓ સામે હિંસાની વધી રહેલી ઘટનાઓનો ભારતમાં વિરોધ વધી રહ્યો છે.
ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ વણસી ગયું છે. હિન્દુ સમુદાય પર કટ્ટરપંથીઓના હુમલામાં વધારો થયો છે. જેના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન તહેનાત કરવાની વિનંતી કરી હતી.
આઈએસઆઈએસના ઝંડા લઈ કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ ફર્યા : ભારતીયો નિશાન પર
દરમિયાનમાં હવે ખુલ્લેઆમ આતંકી સંગઠનો આઈએસઆઈએસના ઝંડા લઈને રોડ પર ફરી રહ્યા છે અને ભારતીયો વિરુધ્ધ પ્રચાર અને ધમકીઓ આપી રહ્યા છે. ઢાકામાં આ રીતે આતંકીઓ ફરતા જોવા મળ્યા હતા અને પોલીસ એમને રક્ષણ આપી રહી હતી. આ પ્રદર્શનમાં જેહાદીઓએ ભારતીય નાગરિકોને મારવાની વાત કરી હતી. એમની કતલ કરવાના સોગંદ પણ ખાધા હતા. પોલીસ એમને રોકવાને બદલે એમની રક્ષા કરી રહી છે તે વધુ ચિંતાજનક બાબત છે.