મહાકુંભ અંગે વધુ એક વિવાદિત નિવેદન : સંગમમાં ડુબકીથી નહીં, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે ; શ્રી શ્રી રવિશંકર
પ્રયાગરાજ મહાકુંભમાં દેશ-વિદેશના 50 કરોડથી વધુ લોકોએ શ્રદ્ધાપૂર્વક ડુબકી લગાવી છે. એવામાં હરિયાણાના જીંદના સેક્ટર 7માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત ફસલ બચાવો જાતિ બચાવો કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે હાજરી આપી હતી. આ દરમિયાન આધ્યાત્મિક ગુરુએ એક મોટી વાત કહી દીધી હતી અને તેના પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે, ‘માત્ર ડૂબકી લગાવવાથી મોક્ષ નથી મળતો. મોક્ષ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. કુંભમાં આવતા ઋષિ-મુનિઓ પાસેથી જ્ઞાન લો અને તમારું જીવન સુધારો. કુંભમાં સરકાર અને પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.’

શ્રી શ્રી રવિશંકરે ખાપ પંચાયતોને દરેક ગામને ડ્રગ્સથી બચાવવા માટે અભિયાન ચલાવવા માટે કહ્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, ‘ડ્રગ્સનું સેવન કરતા લોકોને યોગ સાથે જોડો અને ડ્રગ્સ વેચનારાઓ વિશે પોલીસને જાણ કરો.’
એમણે આ કાર્યક્રમમાં ખાપને સંદેશ આપ્યો કે, ‘પોતપોતાના ગામોમાં વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવો અને નશાના આ દલદલમાં ફસાયેલા યુવાનોને બચાવો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે યુવાનોએ ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. તે તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.’