સીરિયામાં વધુ એક શહેર બળવાખોરાના હાથમાં : ભારતીયોને સત્વરે સીરિયા છોડવા એડવાઈઝરી જારી કરાઈ
- રાજદૂત કચેરીદ્વારા હેલ્પલાઇન નંબર જાહેર: અમેરિકાએ પણ પોતાના નાગરિકોને સીરિયા છોડવા કહ્યું
ગૃહ યુદ્ધમાં સપડાયેલા સીરિયામાં દિન પ્રતિ દિન વધુને વધુ ગંભીર બનતી જતી સ્થિતિને નિહાળી દમાસ્કસ ખાતેની ભારતીય રાજદુત કચેરીએ શુક્રવારે મધરાત્રે એડવાઈઝરી જાહેર કરી સીરિયામાં વસતા ભારતીય નાગરિકોને સત્વરે સીરિયા છોડી જવા અનુરોધ કર્યો હતો. એડવાઈઝરીમાં ભારતીયોને જે મળે તે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા વહેલામાં વહેલી તકે સીરિયા છોડી જવા સુચના આપવામાં આવી હતી. જે લોકો માટે તાત્કાલિક સીરિયા છોડવાનું શક્ય ન હોય તે લોકો પોતાની સલામતી માટે ખૂબ સાવચેત રહે અને જરૂર વગર બહાર ન નીકળે તેવી સલાહ આપવામાં આવી છે. રાજદૂત કચેરીએ હેલ્પલાઇન નંબર તથા ઈમેલ એકાઉન્ટ ની વિગતો પણ જાહેર કરી હતી. અમેરિકાએ પણ શુક્રવારે આવી જ એડવાઈઝરી જારી કરી અમેરિકન નાગરિકોને તાબડતોબ સીરિયા છોડી જવા અનુરોધ કર્યો હતો.
27 નવેમ્બરે ઇઝરાયલ અને હેઝબોલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી થઈ તે જ દિવસે સીરીયલ બળવાખોરોએ પ્રમુખ બસર અલ અસાદની સરકાર સામે નવેસરથી આક્રમણ શરૂ કર્યું હતું. નોંધનીય છે કેબસર અલ અસાદને રશિયા અને ઈરાન ટેકો આપી રહ્યા છે. બીજી તરફ અલકાયદા અને આઇએસઆઇએસ સાથે સંકળાયેલા બળવાખોરોને તુર્કીનું સમર્થન છે.
સીરિયામાં રશિયન સેનાની ઉપસ્થિતિ હોવા છતાં બળવાખોરો સતત આગેકુચ કરી રહ્યા છે. સીરીયાના બીજા નંબરના શહેર એલેપ્પો અને હામાનો કબજો લીધા બાદ શુક્રવારે દારા નગર પણ સીરીયન સરકારના હાથમાંથી સરી ગયું હતું. સીરિયાની મિલેટરી કોઈપણ જાતના પ્રતિકાર વગર એ શહેરમાંથી પાછળ હટી ગઈ હતી.એટલું જ નહીં બળવાખોરો અત્યંત વ્યુહાત્મક મહત્વ ધરાવતા હોમ્સ નગરથી માત્ર પાંચ કિલોમીટર દૂર સુધી પહોંચી ગયા હતા. આ નગર હાથમાં આવ્યે બસર અલ અસાદનો ગઢ ગણાતું દમાસ્કસ બાકીના સીરિયા થી કટ થઈ જશે. નોંધનીય છે કે સીરિયામાં 2011 થી સિવિલ યુદ્ધ ચાલે છે પણ પહેલી વખત સરકારે એલેપ્પો શહેર ગુમાવી દેતા બસર અલ અસાદના દિવસો પૂરા થઈ ગયા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.