અંકલેશ્વરના શખ્શે પાકિસ્તાનને લશ્કરી ડ્રોન અંગે માહિતી આપી હોવાની આશંકા
પાક જાસુસ સંસ્થાએ હનીટ્રેપમાં ફસાવ્યો
પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે જાસુસી કરનાર અંકલેશ્વરના પ્રવીણ મિશ્રા નામના શખ્સની સીઆઈડી એ ધરપકડ કર્યા બાદ અનેક ચોકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે. પ્રવીણ મિશ્રાએ ભારતમાં ઉત્પાદિત આ લશ્કરી ડ્રોન અંગે પાકિસ્તાનને માહિતી પૂરી પાડી હોવાની આશંકા છે.
મૂળ અંકલેશ્વરનો પ્રવીણ મિશ્રા હૈદરાબાદની એક કંપનીમાં ફરજ બજાવે છે અને એ કંપની DRDO સાથે સંકળાયેલી છે. પ્રવીણ મિશ્રાને પાકિસ્તાનની મહિલા જાસુસે હની ટ્રેપમાં ફસાવ્યો હતો. એ મહિલાએ પોતાનું નામ સોનલ ગર્ગ હોવાનું અને ચંદીગઢની આઇબીએમ કંપનીમાં ફરજ બજાવતી હોવાનું જણાવી વોટ્સેપ દ્વારા પ્રવીણ મિશ્રા સાથે મૈત્રી કેળવી હતી. સોનલ ગર્ગે ભારતીય ફોન નંબરનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રવીણ મિશ્રાએ હની ટ્રેપમાં ફસાઈને ડીઆરડી ઓ દ્વારા ઉત્પાદિત લશ્કરી ડ્રોન અંગે મહત્વની માહિતી ઉપરાંત ભારતીય સેના અને રક્ષા સંબંધિત માહિતીઓ પાકિસ્તાનને પૂરી પાડી હતી. પાકિસ્તાનની મહિલા જાસુસે પ્રવીણ મિશ્રા ના ઓફિસ સર્વરમાં જાસુસી માલવેર ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળે છે.
ઉધમપુર મીલીટરી ઇન્ટેલિજન્સ તરફથી ટીપ મળી હતી.
ઉધમપુર મિલિટરી ઇન્ટેલિજન્સે પાકિસ્તાનની જાસુસી સંસ્થા વર્તમાન અને પૂર્વ લશ્કરી અધિકારીઓ તેમજ ડીઆરડીઓ, હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ તેમજ મિસાઈલ સિસ્ટમ ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓને નિશાન બનાવી શકે છે એવી માહિતી આપ્યા બાદ સરકારની વિવિધ એજન્સીઓ સક્રિય બની ગઈ હતી અને તે દરમિયાન થયેલી તપાસમાં પ્રવીણ મિશ્રાના કરતુતો સામે આવ્યા હતા.