તિરુમાલા મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી વપરાતી હતી
ચંદ્રાબાબુ નાયડુએ કરેલા આક્ષેપથી ખળભળાટ
તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવતા તિરુપતિ લાડુ બનાવવા માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્મોહન રેડી ના શાસન દરમિયાન શુદ્ધ ઘી ને બદલે પ્રાણીની ચરબી નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આક્ષેપ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમરાવતી ખાતે એનડીએના ધારાસભ્યોની બેઠકને સંબોધતા ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ સરકારના ભ્રષ્ટાચારોનો ઉલ્લેખ કરતી વેળાએ આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે તિરુમાલા મંદિરના પ્રસાદ બનાવવા માટે પણ શુદ્ધ ઘી ને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરાયો હતો. અન્ય સામગ્રી પણ ગુણવત્તા વગરની હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે તિરુપતિ લાડુ માટે શુદ્ધ ઘી વાપરવામાં આવે છે અને મંદિરનું પણ શુદ્ધિકરણ કરી દેવાયું છે. આંધ્ર પ્રદેશના આઈટી મિનિસ્ટર નારા લોકેશે પણ પ્રસાદ માટે પ્રાણીની ચરબીના ઉપયોગ અંગે આઘાત વ્યક્ત કર્યો હતો.
જો કે વાયએસઆરકોંગ્રેસે આ આક્ષેપો નકારી કાઢ્યા હતા. તેના રાજ્યસભાના સભ્ય સુબ્બા રેડીએ કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ આ હદે નીચે ઉતરી ગયા તે ખૂબ આઘાતજનક છે. આવા પાયા આક્ષેપો કરી નાયડુ એ મંદિરની પવિત્રતા તથા કરોડો હિંદુ ભાવિકોની આસ્થા સાથે ખીલવાડ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.