પુરીના જગન્નાથ મંદિરમાંથી અનેક મૂર્તિઓ સાથે પ્રાચીન શસ્ત્રો મળ્યા
મંદિરના રક્ષણ માટે રત્ન ભંડારમાં રાખ્યા હોવાની ધરણા
પુરી જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં ગુરુવારે કીમતી ચીજવસ્તુઓના સ્થળાંતર દરમિયાન ભૂતકાળની લડાઈઓમાં વપરાતા તલવારો, ભાલા અને બરછી જેવા વર્ષો જૂના શસ્ત્રો મળી આવ્યા હતા. 46 વર્ષથી બંધ રત્ન ભંડારને ઓડિશા સરકાર દ્વારા 14 જુલાઈના રોજ પુનઃસંગ્રહ અને ઇન્વેન્ટરી માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો. રતનભંડાર સમિતિના એક સભ્યના જણાવ્યા અનુસાર રત્ન ભંડારમાં કેટલીક પ્રાચીન મૂર્તિઓ મળ્યા બાદ અંદરની ચેમ્બરમાં તલવારો ભાલા અને બરછી નજરે પડ્યા હતા. આ શસ્ત્રો કાળા પડી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
રત્ન ભંડાર અને શસ્ત્રોની શોધ ભૂતકાળમાં આ મંદિર અને જે તે સમયના શાસકોનું જોડાણ નિર્દિષ્ટ કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.આ શાસકોએ સદીઓ દરમિયાન એકઠા કરેલા ખજાનાની આ રત્ન ભંડાર ઝલક આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું.જો કે શસ્ત્રોની સંખ્યા તથા તે ક્યા સમયગાળાના હતા તે અંગે માહિતી આપવાનું તેમણે ટાળ્યું હતું.
શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન (SJTA)ના સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વીય ગંગા વંશના અનંતવર્મન ચોડાગંગા દેવે 1190ના દાયકામાં પુરી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 214 ફૂટ ઊંચું આ મંદિર 10.7 એકરમાં ફેલાયેલું છે અને તેના પરિસરમાં 95 અન્ય નાના મંદિરો છે.
મંદિર ઉપર 18 વખત આક્રમણ થયું હતું
મંદિરના સેવક શ્યામ મહાપાત્રા ના જણાવ્યા અનુસાર જગન્નાથ મંદિર પર 18 વખત આક્રમણ અને લૂંટ કરવામાં આવી હતી. મંદિરના રક્ષણ માટે, તત્કાલિન રાજાઓએ રત્ન ભંડારમાં પ્રાચીન શસ્ત્રો રાખ્યા હશે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું હતું.
જગન્નાથ મંદિર અંગે સંશોધન કરનાર ભાસ્કર મિશ્રાના જણાવ્યા અનુસાર 1460માં રાજા કપિલેન્દ્ર દેબે બીજા શાસકો પર વિજય મેળવ્યો હતો અને ત્યાંથી જીતેલું સોનું પુરી જગન્નાથ મંદિરમાં પહોંચાડવા માટે 16 હાથીઓનો ઉપયોગ કર્યો હતો.