કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સૂચક નિવેદન…જુઓ શું કહ્યું
- સારું કામ કરે તેની કદર નથી થતી અને ખરાબ કરે તેને સજા નથી થતી
- તકવાદી રાજકારણને લોકતંત્ર માટે ખતરો ગણાવ્યું
છાશવારે પોતાના જ પક્ષના નેતૃત્વ તરફ ગર્ભિત નિર્દેશ કરતાં વાક્બાણ ફેંકવા માટે પ્રખ્યાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વર્તમાન રાજકારણમાં તકવાદની બોલબાલા તથા આદર્શોના ઘટતાં જતાં મૂલ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પુણેમાં એક મીડિયા હાઉસ યોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે સરકાર ગમે તે પક્ષની હોય એક વસ્તુ નક્કી છે કે સારું કામ કરનારને સન્માન નથી મળતું અને ખરાબ કામ કરનારને કોઈ સજા નથી થતી.
તેમણે ઉમેર્યું કે ઘણા લોકો કહે છે કે રાજકારણીઓ નથી જમણેરી હોતા કે નથી ડાબેરી હોતા, રાજકારણીઓ તકવાદી હોય છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે અને બધા જ શાસક પક્ષ સાથે જોડાઈ જાય છે. તેમણે કહ્યું કે રાજકારણમાં પબ્લિસિટી અને લોકપ્રિયતા જરૂરી છે પરંતુ કોઈ સંસદમાં શું બોલે છે તેના કરતાં તેણે પોતાના મતવિસ્તાર માટે કેવું કામ કર્યું તે વધારે મહત્વનું છે.
ગડકરીએ વિશેષમાં જણાવ્યું કે કેટલાક લોકો પોતાના આદર્શોને વિચારધારા પર અડીખમ રહે છે પરંતુ એવા લોકોની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે અને એ સ્થિતિ લોકશાહી માટે સારી નથી.