અમૂલ હવે અમેરિકામાં દૂધ વેંચશે
અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની પહેલી એન્ટ્રી
ભારતમાં રોજ લાખો લીટર તાજું દૂધ સપ્લાય કરનાર અમૂલ ડેરી હવે અમેરિકામાં પણ દૂધ વેંચશે. અમૂલ બ્રાન્ડ અહીં ફ્રેશ મિલ્ક સેગમેન્ટમાં કામ કરશે. અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાંડની આ પહેલી એન્ટ્રી છે.
અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ અમેરિકાની 108 વર્ષ જૂની ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યૂસર્સ એસોસિએશન’ સાથે ડીલ કરી છે. આ અંગે જીસીએમએમએફના મેનેજિંગ ડાઈરેક્ટર જયેન મહેતાએ કો ઓપરેટિવની એન્યૂઅલ મિટીંગમાં જાહેરાત કરી હતી.
અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે અને હવે તેઓને પણ અમૂલનું દૂધ મળી રહેશે.
અમૂલ મિલ્કને અમેરિકામાં એક ગેલન (3.8 લીટર) અને અડધા ગેલન (1.9 લીટર)ના પેકમાં વેચશે. અમેરિકામાં 6%ફેટવાળું અમૂલ ગોલ્ડ બ્રાન્ડ, 4.5% ફેટવાળું અમૂલ શક્તિ બ્રાન્ડ, 3% ફેટવાળું અમૂલ તાજા અને 2% ફેટવાળું અમૂલ સ્લિમ બ્રાન્ડ જ સેલ કરવામાં આવશે. આ બ્રાન્ડ્સને હાલ ઈસ્ટ કોસ્ટ અને મિડ વેસ્ટ માર્કેટમાં વેચવામાં આવશે.
