અમિતાભ બચ્ચનની પૌત્રીને મળ્યું IIM-અમદાવાદમાં એડમીશન
અમદાવાદમાં રહીને બે વર્ષનો ફૂલ કોર્સ ભણશે
અમિતાભ બચ્ચનની પૌત્રી અને પોતાના લુક્સને લઈને હમેશા ચર્ચામાં રહેતી નવ્યા નવેલી નંદાએ ભારતની ટોચની સંસ્થા એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં અમદાવાદ ખાતે એડમિશન લીધું છે અને અહીંથી તે મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરશે.
નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો કે તેણે IIM પ્રવેશ પરીક્ષા પાસ કરી છે અને હવે તે દેશની ટોચની સંસ્થામાં પ્રવેશ લઈ રહી છે, જ્યાંથી તે એક બિઝનેસવુમન બનવા તરફ વધુ એક પગલું ભરશે. એન્ટ્રન્સ ક્લિયર કર્યા બાદ નવ્યાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન મળ્યું છે, જે તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. નવ્યાને તેની સિદ્ધિ માટે ઘણી પ્રશંસા મળી રહી છે.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અમિતાભ બચ્ચનની પૌત્રીના વખાણ કરી રહ્યા છે કારણ કે અન્ય સ્ટાર કિડ્સની જેમ તે વિદેશમાં નહીં પરંતુ દેશમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરશે. વાસ્તવમાં, મોટાભાગના સ્ટાર કિડ્સ સ્કૂલિંગ પછી આગળના અભ્યાસ માટે વિદેશ જાય છે, જ્યારે આ માટે નવ્યાએ તેના દેશમાં જ રહેવાનું નક્કી કર્યું છે. IIM અમદાવાદ દેશની ટોચની MBA સંસ્થાઓમાંની એક છે, તેથી નવ્યા અહીં પ્રવેશ મેળવીને ખૂબ જ ખુશ છે.
તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે IIM અમદાવાદના કેમ્પસની બહાર પોઝ આપતી જોવા મળે છે. સ્ટારકિડના ચહેરા પર તેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે, IIM અમદાવાદમાં પ્રવેશ મેળવવો સરળ નથી. નવ્યા હવે IIM અમદાવાદ ખાતે 2 વર્ષનો બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (BPGP) કરશે. નવ્યાએ પોતાનો અગાઉનો અભ્યાસ વિદેશથી કર્યો છે. તેણે સેવેનોક્સ સ્કૂલ, લંડનમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી ફોર્ડહામ યુનિવર્સિટી, ન્યૂયોર્કમાં પ્રવેશ લીધો હતો. અહીંથી તેણે ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશન કર્યું.
હવે નવ્યાએ આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન લીધું છે અને અહીં 2 વર્ષનો ફુલ ટાઈમ કોર્સ કરશે.