૧૮૮ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત કરતા અમિત શાહ
પ્રમાણપત્ર મેળવનાર નાગરિકોનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે
રાજકોટનાં ૬, મોરબીના ૩૬, સુરેન્દ્રનગરના ૨૦, કચ્છના ૩ સહીત ૧૮૮ શરણાર્થીઓએ મળ્યો લાભ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદના ૯૦, મોરબીના ૩૬, સુરેન્દ્રનગરના ૨૦, પાટણના ૧૮, મહેસાણાના ૧૦, રાજકોટના ૬, કચ્છના ૩, વડોદરાના ૩, આણંદના ૨, એમ કુલ ૧૮૮ શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે અંતરનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, હવે આ તમામ લોકો ભારતના નાગરિક ગણાશે, ગર્વભેર જીવન જીવી શકશે. આ ૧૮૮ નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, ૨૦૧૯માં નાગરિકતા સંશોધન અધિનિયમ સંસદમાંથી પસાર થયા બાદ કાયદો બન્યો. જે કાયદા હેઠળ આજે ૧૮૮ નાગરિકોને પ્રમાણપત્ર પણ એનાયત થઈ રહ્યા છે, એનો આનંદ છે. અન્ય શરણાર્થીઓને આશ્વસ્ત કરી તેમણે નાગરિકતા માટે ઝડપથી અરજી કરવાની અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ૧૮૮ જેટલા નિરાશ્રિતોને નાગરિકતા આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં શક્ય બન્યું છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિતભાઈ શાહે સીએએ તથા વર્ષો જૂના કાયદામાં બદલાવ લાવી વિકસિત ભારતની સંકલ્પનામાં ફાળો આપ્યો છે.
આ પ્રસંગે રાજ્યના જનગણના નિયામક આદ્રા અગ્રવાલે સ્વાગત સંબોધન કરતા નાગરિકતા સંશોધન કાયદાને ભારતીય સંસ્કૃતિની કરુણા અને ઉદારતાના પ્રતીક સમાન ગણાવ્યો હતો.
આજના સમારોહમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, ધારાસભ્યઓ, ડીજીપી વિકાસ સહાય, ગૃહ સચિવ નિપુણા તોરવણે, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે, વિવિધ સમાજના અગ્રણીઓ, સિંધ માયનોરિટી માઇગ્રન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ, સભ્યઓ તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ૧૮૮ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.