મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં હિંસા વચ્ચે .. મતદાન
મધ્યપ્રદેશની 230 બેઠકો અને છત્તીસગઢની 70 બેઠકો માટે મતદાન સવારથી નિર્ધારિત સમયથી શરૂ થઈ ગયું હતું. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હતી. હિંસક ઘટનાઓ વચ્ચે અને અથડામણો તથા ગોળીબાર્ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ હતી. છત્તીસગઢમાં બીજા તબક્કામાં 70 બેઠકો માટે મતદાન થયું હતું. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે તે મૂરેનાની દીમની બેઠક પર ફાયરિંગ થયું હતું જેમાં 2 લોકો ઘાયલ થયા હતા. બંને રાજ્યોમાં સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થયું હતું.
સવારથી બંને રાજ્યોમાં ધિંગું મતદાન રહ્યું હતું અને લોકોમાં ઊતસાહ જોવા મળ્યો હતો. ક્યાંક લાંબી લાઈનો હતી તો ક્યાંક ઈવીએમ ખોટકાઈ ગયાની ઘટનાઓ બની હતી. કમલનાથ, શિવરાજસિંહ ચૌહાણ, તેમજ છત્તીસગઢના સીએમ બધેલ અને નાયબ સીએમ સિંઘદેવ તેમજ કેટલાક કેન્દ્રીય મંત્રીઓના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા. હવે 3 જી ડિસેમ્બરે પરિણામ આવશે.
છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 7મી નવેમ્બરે મતદાન થયું હતું, મધ્યપ્રદેશમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. 64 હજાર 626 પોલિંગ બૂથ પર તમામ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે આવશે.
દિમનીમાં ફાયરિંગ
મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગ થવાની ઘટના બની હતી. મુરૈનાની દિમની બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર મેદાનમાં છે. અહીં મીરઘાન ગામમાં ફાયરિંગ કરાયા બાદ ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે બુથ પર મતદાન ચાલુ જ રહ્યું હતું.
ભિંડ : નાણાં આપનાર અપક્ષ ઉમેદવારને જનતાએ પકડ્યો
મધ્યપ્રદેશમાં મતદાન શરૂ થયાના થોડા કલાકો પહેલા જ જુદા જુદા વિસ્તારોમાં હંગામાની ઘટનાઓ સામે આવી હતી. ચંબલના ભિંડ વિસ્તારમની અટેરા વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ચંદ્ર પ્રકાશ કરૈયા લોકોને નાણાં વેચતો ઝડપાયો હતો. આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો હતો. કરૈયા ઝુંપડપટ્ટીમાં જઈને લોકોને નાણાં વેચતો હોવાનો આરોપ લાગ્યો છે. આ દરમિયાન કરૈયાની સાથે આવેલા કેટલાક લોકો સાથે મારપીટ થઈહતી. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર હેમંત કટારે પણ પહોંચી ગયા હતા.
નક્સલી વિસ્તારોમાં 3 સુધી મતદાન
મધ્યપ્રદેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે છ વાગ્યા સુધી ચાલ્યું હતું જો કે, નક્સલ પ્રભાવિત બૈહર વિધાનસભા, લાંજી, પરસવારા, બિછિયાના 47 કેન્દ્રો, મંડલા વિધાનસભાના 8 કેન્દ્રો, ડિંડોરીના 40 કેન્દ્રો પર બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થયું હતું.