કોંગ્રેસ સાથેના મતભેદો વચ્ચે શશિ થરૂરે પિયુષ ગોયલ સાથે સેલ્ફી શેર કરી : ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડયું
કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદ શશિ થરુરે કોંગ્રેસને આંચકા દેવાનું ચાલુ કર્યું છે અને એમની નારાજી ખુલ્લેઆમ દેખાઈ રહી છે. હવે એમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમનો આ ફોટો ભારત-બ્રિટન વેપાર કરાર પર ચર્ચા બાદનો છે. પોસ્ટમાં શશિ થરુર પીયૂષ ગોયલની સાથે હસતાં દેખાઈ રહ્યા છે. આમ વધુ એક નેતા ભાજપમાં જશે તેવી અટકળો વહેતી થઈ ગઈ છે .
શશિ થરુરે પોસ્ટમાં લખ્યું છે કે , ‘બ્રિટનના વેપાર રાજ્ય સચિવ જોનાથન રેનૉલ્ડ્સની સાથે તેમના ભારતીય સમકક્ષ, વાણિજ્ય અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં તેમને વાતચીત કરીને સારું લાગ્યું. લાંબા સમયથી રોકાયેલી એફટીએ ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ છે, જે સ્વાગત યોગ્ય છે.’
આ પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટ થરુરની તરફથી કેરળની શાસક સીપીએમ નીત વામ લોકતાંત્રિક મોર્ચા સરકારની નીતિઓની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસ અને તેમની વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ બાદ આવી છે.
હજુ હમણાં જ શશીએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. ટ્રમ્પે મોદીને સારા સંવાદક ગણાવ્યા હતા અને તે વાત પર થરૂરે મોદીના વખાણ કરીને કોંગ્રેસમાં ચર્ચા જગાવી દીધી હતી.