અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની ટ્રમ્પના શાસનમાં વધતી આત્મીયતા વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સંસદમાં કરેલા એક ભાષણને કારણે રાજકારણ ઘરમાં ગયું છે. અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનનો માત્ર ઉપયોગ જ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
ખ્વાજા આસિફે સંસદમાં કહ્યું કે અફઘાનિસ્તાન સંબંધિત સંઘર્ષોમાં અમેરિકા સાથે હાથ મિલાવવાનો નિર્ણય દેશ માટે ઐતિહાસિક ભૂલ સાબિત થયો. તેમણે જણાવ્યું કે 1999 પછી ફરી વોશિંગ્ટન સાથે ગાઢ જોડાણ બનાવવાની નીતિએ પાકિસ્તાનને રાજકીય, સામાજિક અને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચાડ્યું, જેના અસર આજે પણ દેશ ભોગવી રહ્યો છે.
તેમણે કહ્યું કે 1980ના દાયકામાં સોવિયેત વિરોધી અફઘાન યુદ્ધ હોય કે 11 સપ્ટેમ્બર 2001ના હુમલા પછીનો અમેરિકી “વોર ઓન ટેરર” – બંને વખતે પાકિસ્તાનને પોતાની જ લડાઈ ન હોવા છતાં તેમાં ઝંપલાવવું પડ્યું. ખાસ કરીને 2001 પછી પાકિસ્તાનએ તાલિબાન વિરુદ્ધ અમેરિકા સાથે ઉભું રહી પોતાને જ આંતરિક આતંકવાદ, ઉગ્રવાદ અને અસ્થિરતાની આગમાં ઠેલ્યું.
આસિફે પૂર્વ સૈન્ય શાસકો જિયા-ઉલ-હક અને પરવેઝ મુશર્રફની નીતિઓ પર પણ આક્ષેપ કરતાં કહ્યું કે બાહ્ય યુદ્ધોમાં જોડાવાથી દેશ લાંબા ગાળે હિંસા અને આર્થિક તાણમાં ફસાઈ ગયો. અમેરિકા તો પોતાના હિતો સિદ્ધ થયા બાદ અફઘાનિસ્તાન છોડીને ચાલ્યું ગયું પણ તેના પરિણામોનો બોજો પાકિસ્તાનને એકલા સહન કરવો પડ્યો.
આ પણ વાંચો:ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
અત્યંત કડક ભાષામાં તેમણે સંસદમાં કહ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને ટોયલેટ પેપર કરતાં પણ ખરાબ રીતે વાપરી ફેંકી દીધું. તેમણે ઉમેર્યું કે આ નિર્ણયોની કિંમત એવી છે જેની ભરપાઈ ક્યારેય થઈ શકશે નહીં અને તે કારણે પાકિસ્તાન પરાયાં યુદ્ધોમાં માત્ર એક પ્યાદું બની રહ્યું છે.
જેહાદના નામે ભ્રમ ઉભો કર્યો
આસિફે દાવો કર્યો કે અફઘાન યુદ્ધને ધાર્મિક ફરજ તરીકે રજૂ કરવામાં આવ્યું, પરંતુ વાસ્તવમાં તે જીઓપોલિટિકલ હિતોનો ખેલ હતો. લોકોમાં ‘જેહાદ’ના નામે યુદ્ધ માટે ભાવના ઉભી કરવામાં આવી અને યુવાનોને લડવા મોકલવામાં આવ્યા, જે દેશ માટે વિનાશકારી સાબિત થયું. તેમણે સ્વીકાર્યું કે એ સમયગાળા દરમિયાન શિક્ષણ વ્યવસ્થામાં પણ એવી વિચારધારા ઘૂસાડી દેવામાં આવી કે જે હિંસા અને અતિરાષ્ટ્રવાદને ન્યાયસંગત બતાવે છે, અને તેની અસર આજે પણ સમાજમાં દેખાઈ રહી છે.
