અમેરિકા : ટ્રમ્પની હોટલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં થયો વિસ્ફોટ : 1નું મોત, 7લોકો થયા ઘાયલ ; જુઓ CCTV
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બનેલી દુખદ ઘટના બાદ બુધવારે વધુ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. લાસ વેગાસમાં ટ્રમ્પની હોટલની બહાર ટેસ્લા સાયબરટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 7થી વધુ લોકો ઘાયલ થયા છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ કહ્યું છે કે ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલની બહાર સાઈબરટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા હુમલા વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે. મસ્કે એમ પણ કહ્યું છે કે ટેસ્લાના સાયબરટ્રકમાં વિસ્ફોટ આંતરિક કારણોસર નહીં પણ બહારથી મુકવામાં આવેલા વિસ્ફોટકોને કારણે થયો હતો.
ઘટના પહેલાં ન્યૂ ઓર્લિયન્સમાં એક પીકઅપ ટ્રકે 15 લોકોને કચડી નાખ્યા હતા
આ ઘટનાના થોડા સમય પહેલાં ન્યૂ ઓર્લિયન્સમાં એક ડ્રાઈવરે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પિકઅપ ટ્રક ચડાવી દીધી હતી અને 15 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. FBI ઘટનાસ્થળેથી મળી આવેલા ઓછામાં ઓછા એક શંકાસ્પદ ઇમ્પ્રૂવાઇઝ્ડ વિસ્ફોટક ડિવાઈસની તપાસ કરી રહી છે જેને આતંકવાદી કૃત્ય કહેવામાં આવી રહ્યું છે.
આ ટ્રક ટ્રમ્પની હોટલ બહાર ઊભી હતી
BREAKING: Full video of Cybertruck exploding outside Trump Hotel in Las Vegas pic.twitter.com/4neVZsldGC
— The Spectator Index (@spectatorindex) January 1, 2025
લાસ વેગાસના શેરિફ કેવિન મેકમહિલે મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટ થતાં પહેલાં આ ઇલેક્ટ્રિક વાહન ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલના કાચના એન્ટ્રી ગેટ પર પહોંચી ગયું હતું. વીડિયો ફૂટેજમાં હોટલના પ્રવેશદ્વાર પર પાર્ક કરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.
જો બાઈડેન શું બોલ્યાં
અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે અમે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર સાયબર ટ્રકના વિસ્ફોટની ઘટના પર નજર રાખી રહ્યા છીએ. કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલા સાથે શું આ ઘટનાને કોઈ લેવા દેવા છે કે કેમ? ન્યૂ ઓર્લિયન્સમાં સ્થાનિક કાયદા અમલીકરણને ઝડપથી તપાસ પૂર્ણ કરવા અને અમેરિકન લોકોને કોઈ ખતરો નથી તેની ખાતરી સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા છે.
લાસ વેગાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી
લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના શેરિફ કેવિન મેકમેહિલે જણાવ્યું હતું કે, “પ્રતિષ્ઠિત લાસ વેગાસ બુલવર્ડ પર વિસ્ફોટ પછી, અમે અમારા સમુદાયને સુરક્ષિત રાખવા માટે દરેક સાવચેતી રાખીએ છીએ.” “અમે સેકન્ડરી ડીવાઈસ શોધી રહ્યા છીએ. “અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને અમે ખાતરી કરીશું કે અમે અમારા સમુદાયમાં સુરક્ષિત છીએ.”
આ મામલે એલોન મસ્કએ X પર પોસ્ટ કરી અને કહ્યું કે આજ સુધી કોઈ સાયબરટ્રક સાથે આવું કંઈ થયું નથી અને તેમની કંપનીની સિનિયર ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ સાથે મસ્કે તેને આતંકવાદી હુમલો પણ ગણાવ્યો હતો. એલોન મસ્કે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે આ આતંકવાદી હુમલો હોઈ શકે છે. તેમણે લખ્યું, ન્યૂ ઓર્લિયન્સથી સાયબરટ્રક અને F-150 આત્મઘાતી બોમ્બને ટુરો પાસેથી ભાડે લેવામાં આવ્યા હતા. શક્ય છે કે બંને વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે.