અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલા સમાપ્ત : ભારે વરસાદ અને ખરાબ રસ્તાઓના કારણે વહીવટીતંત્ર દ્વારા લેવાયો નિર્ણય
ભારે વરસાદને કારણે હિમાલયની ગોદમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા મંદિરની યાત્રા પર અસર પડી છે. દક્ષિણ કાશ્મીરમાં ભગવાન શિવના પવિત્ર ગુફા મંદિરની વાર્ષિક અમરનાથ યાત્રા એક અઠવાડિયા અગાઉથી બંધ કરવામાં આવી છે ભારે વરસાદ અને યાત્રાના માર્ગોને થયેલા નુકસાનને કારણે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. અગાઉ આ યાત્રા 9 ઓગસ્ટ સમાપ્ત થવાની હતી ત્યારે હવે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને, તેને 3 ઓગસ્ટથી જ બંધ કરવામાં આવી છે.

વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી જાહેરાત
રક્ષાબંધન નિમિત્તે 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થનારી યાત્રાને હવામાન પરિસ્થિતિઓને કારણે વહેલા સ્થગિત કરવામાં આવી હતી, વહીવટીતંત્રે આજે જાહેરાત કરી હતી કે આવતીકાલથી યાત્રા ફરી શરૂ થશે નહીં. “તાજેતરના ભારે વરસાદને કારણે, બાલતાલ અને પહેલગામ બંને માર્ગો પર મહત્વપૂર્ણ સમારકામ અને જાળવણીના કાર્યોની જરૂર છે. એવું જોવા મળ્યું છે કે આવતીકાલથી ટ્રેક પર માણસો અને મશીનરીની સતત તૈનાતીને કારણે, અમે યાત્રા ફરી શરૂ કરી શકીશું નહીં. તેથી, 3 ઓગસ્ટથી બંને માર્ગો પરથી યાત્રા સ્થગિત રહેશે,” કાશ્મીરના ડિવિઝનલ કમિશનર શ્રી વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું.

4 લાખ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર, આ વર્ષે લગભગ 4.10 લાખ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે, જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં યાત્રાળુઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે ગયા વર્ષે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ વર્ષે, સરકારે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા મોટા આતંકવાદી હુમલાને પગલે યાત્રા માટે સૌથી વધુ ટુકડીઓ તૈનાત કરી હતી. કાશ્મીરમાં હાલના ભારે સુરક્ષા માળખા ઉપરાંત, યાત્રા ફરજ માટે અર્ધલશ્કરી દળોની લગભગ 600 વધારાની કંપનીઓ લાવવામાં આવી હતી.

યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી
અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી. આ સમય દરમિયાન, સવારે બાબા અમરનાથની પહેલી આરતી કરવામાં આવી હતી. આ વખતે યાત્રા ફક્ત 1 મહિના સુધી ચાલી હતી. યાત્રા દરમિયાન લગભગ 50,000 CRPF સૈનિકો તૈનાત હતા.
આ પણ વાંચો : મેઘરાજા આરામના મૂડમાં : હવે જન્માષ્ટમીએ વરસાદ જમાવટ કરે તેવી શક્યતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
2024માં 5 લાખ યાત્રાળુઓ આવ્યા હતા
2024માં આ યાત્રા ૫૨ દિવસની હતી. આ યાત્રા 2023માં 62 દિવસ, 2022માં 43 દિવસ અને 2019માં 46 દિવસ ચાલી હતી. કોરોના મહામારીને કારણે 2020-21માં યાત્રા મુલતવી રાખવામાં આવી હતી. 2024માં ૫૨ દિવસની અમરનાથ યાત્રામાં 5.1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.
2023માં 4.5 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. 2012માં રેકોર્ડ6.35 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.2022માં કોવિડને કારણે આ આંકડો ઘટી ગયો હતો અને 3 લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા.
