કેદી નંબર 7697 તરીકે જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુનની મુક્તિ : પોલીસે ધરપકડનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો
પુષ્પા 2 ફિલ્મના સ્ક્રિનિંગ સમયે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ અને ધક્કામૂકીને કારણે સર્જાયેલી દુર્ઘટનાના કેસમાં તેલંગાણા હાઇકોર્ટે અભિનેતા અલ્લુ અર્જુનના વચગાળાના જામીન મંજૂર કર્યા હોવા છતાં જેલ સત્તાવાળાઓને કોર્ટનો આદેશ સમયસર ન મળતા અલ્લુ અર્જુને કેદી નંબર 76 97 તરીકે આખી રાત ચાંચલગુડા જેલમાં વિતાવી પડી હતી. બાદમાં શનિવારે સવારે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકપ્રિય અભિનેતાને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહોતી મળી. તેમણે જેલની કોટડીમાં આખી રાત ફર્શ ઉપર વિતાવી હતી અને ભોજન પણ નહોતું લીધું.
તારીખ 4 ડિસેમ્બર ના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટર બહાર બનેલી ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થતા કોમામાં સરકી પડયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે અલ્લુ અર્જુન, તેની સિક્યુરિટી ટીમ તેમ જ થિયેટર મેનેજમેન્ટ સામે વિવિધ કલમ હેઠળ ગુના નોંધ્યા હતા.
શુક્રવારે સવારે પોલીસે અલ્લુ અર્જુનની તેમના નિવાસ્થાનેથી ધરપકડ કરી હતી. બાદમાં તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર સોપ્યા હતા. એ ચુકાદા ના અનુસંધાને પોલીસે પલ્લુ અર્જુનને જેલમાં મોકલી આપ્યા હતા.એ ચુકાદા સામે હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી અને તેલંગણા હાઇકોર્ટે ચાર અઠવાડિયા માટે અલ્લુ અર્જુનના વચગાળાના જામીન મંજુર કર્યા હતા.
જો કે આ આદેશ જેલ સત્તાવાળાઓને સમયસર ન મળતા અભિનેતાને આખી રાત જેલમાં રહેવું પડ્યું હતું.બીજી તરફ મૃત્યુ પામનાર મહિલાના પતિએ અલ્લુ અર્જુન ની ધરપકડ બદલ આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ દુર્ઘટના સાથે અલ્લુ અર્જુનને કાંઈ લાગતું ઓળખતું નથી. તેમણે કેસ પરત ખેંચવાની તૈયારી દર્શાવી હતી.
પોલીસ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી
જેલમાંથી બહાર નીકળ્યા બાદ અલ્લુ અર્જુનને કહ્યું કે હું મારા લાખો ચાહકો સાથે વાત કરવા માગું છું. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે આ દુર્ઘટના અંગે ખેદ દર્શાવી ભોગ બનનાર મહિલાના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ ની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હું કાયદા ને માન આપનારો નાગરિક છું અને પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ.
અમે કોઈ ગેરવર્તન નથી કર્યું: હૈદરાબાદ પોલીસે ધરપકડનો ઘટનાક્રમ વર્ણવ્યો
હૈદરાબાદના પોલીસવડાએ પત્રકાર પરિષદમાં અલ્લુ અર્જુનની ધરપકડ સાથે સંકળાયેલો ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલાના પરિવારજનોની ફરિયાદ બાદ કાયદાની જોગવાઈઓ અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે પોલીસ અલ્લુ અર્જુનના નિવાસ્થાને પહોંચી ત્યારે અભિનેતાએ થોડો સમય આપવાની માગણી કરી હતી. પોલીસે એ માંગણી મંજૂર રાખી હતી. અલ્લુ અર્જુન તૈયાર થવા માટે તેમના બેડરૂમમાં ગયા હતા. તેમણે તેમના પરિવારજનો સાથે થોડો સમય વિતાવ્યો હતો અને બાદમાં બહાર આવી જાતે જ પોલીસ વાનમાં બેસી ગયા હતા.
પોલીસે તેમની સાથે કોઈ બળજબરી કરી નહોતી કે કોઈ ગેરવર્તાવ કર્યો નહોતો. પોલીસ વડાએ કહ્યું કે પુષ્પા 2 ના સ્ક્રીનીંગ સમયે પોલીસ બંદોબસ્ત માટે થિયેટર સંચાલકોએ માત્ર એક અરજી ઇનવર્ડ કરાવી હતી. સામાન્ય રીતે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોય ત્યારે આયોજકો દ્વારા રૂબરૂ મળી પોલીસ અધિકારીને વિસ્તૃત વિગતો આપવામાં આવે છે. આ કેસમાં કોઈએ પોલીસ અધિકારી સાથે વાત કરવાની કે અન્ય વિગતો આપવાની તસ્દી લીધી નહોતી. તેમ છતાં પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. અલ્લુ અર્જુન થિયેટર પર આવ્યા ત્યારે ગાડીના રૂફટોપની બહાર ઉભા રહેતા ચાહકોએ ધસારો કર્યો હતો અને આ કમનસીબ ઘટના બની હતી.
પીડિતાની તો કોઈ વાત જ નથી કરતું: રેવાંથ રેડ્ડી
અલ્લુ અર્જુનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષોએ ધરપકડના એ પગલાને વખોડ્યું છે. બીજી તરફ તેલંગણાના મુખ્યમંત્રી રેવંથ રેડ્ડીએ કહ્યું કેકાયદો બધા માટે સમાન છે. અલ્લુ અર્જુનના પત્ની મારા સંબંધી થાય છે તોપણ કાનૂની કાર્યવાહીમાં મેં દખલગીરી નથી કરી. તેમણે કહ્યું કે આ કમનસીબ દુર્ઘટનામાં એક ગરીબ મહિલાનું મૃત્યુ થયું છે. તેનો આઠ વર્ષનો પુત્ર કોમામાં છે અને એ કોમામાંથી બહાર આવશે ત્યારે પણ તે માતૃવિહોણો બની ચૂક્યો હશે. મુખ્યમંત્રીએ કહ્યું કે એ પરિવારની પીડા અને યાતનાની તો કોઈ વાત જ નથી કરતું.