દારૂની લતે ઘર ઉજાડ્યું! પત્નીએ પીવાની ના પાડતાં યુવકે દારૂ ન છોડ્યો જિંદગી છોડી દીધી: 3 સંતાનો પિતા વિહોણા બન્યા
રાજકોટ શહેરમાં વ્યસનના ભરડામાં વધુ એક જિંદગી અસ્ત થવા પામી છે. રૈયાધાર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકને દારૂની કુટેવ બાબતે પત્ની સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકના મોતથી ત્રણ માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ અંગેની વિગતો મુજબ, રૈયાધારમાં પાણીના ટાંકા પાસે રહેતા 35 વર્ષીય જીતેશ મનુભાઈ જખાણીયા કલરકામમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતા. જીતેશને છેલ્લા લાંબા સમયથી દારૂ પીવાની કુટેવ હતી, જેના કારણે ઘરમાં અવારનવાર ક્લેશ થતો હતો. બુધવારે સવારે જ્યારે જીતેશ દારૂ પીને ઘરે આવ્યો ત્યારે તેની પત્ની નિમુબેને આ લત છોડી દેવા માટે કહેતા જ બંને વચ્ચે ચડભડ થઈ હતી.આ વાતનું લાગી આવતા જીતેશે આવેશમાં આવી જઈ ઘરની લાકડાની આડીમાં પોતાના જ શર્ટ વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતક જીતેશ પાંચ ભાઈ અને ત્રણ બહેનોમાં વચેટ હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. યુવકના આત્મઘાતી પગલાથી ત્રણ સંતાનો પિતા વિહોણા બનતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.
