અજમલ કસાબને પણ નિષ્પક્ષ સુનાવણીની તક આપવામાં આવી હતી : સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ દેશમાં આતંકવાદી અજમલ કસાબનને પણ નિષ્પક્ષ સુનાવણીની તક આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે યાસીન મલિક કેસમાં કોર્ટ તિહાર જેલની અંદર કોર્ટ રૂમ બનાવવાનો નિર્દેશ આપી શકે છે. જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જમ્મુ અને કાશ્મીર સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ વિરુદ્ધ સીબીઆઈની અરજી પર સુનાવણી કરતી વખતે આ વાત કહી હતી.
યાસીન મલિક હાલ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિકા સઈદના અપહરણ કેસમાં પણ સુનાવણી ચાલી રહી છે, જેમાં મલિક મુખ્ય આરોપી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરની સેશન્સ કોર્ટે યાસીન મલિકને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, ‘યાસિન મલિકની કોર્ટમાં હાજરી ઓનલાઈન થઈ શકે નહીં કારણ કે જમ્મુમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સારી નથી. અજમલ કસાબને પણ નિષ્પક્ષ ટ્રાયલ માટે તક આપવામાં આવી હતી અને તેને હાઈકોર્ટમાં કાનૂની સહાય પણ આપવામાં આવી હતી.
સીબીઆઈ તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુરક્ષા કારણોને ટાંકીને મલિકને જમ્મુ અને કાશ્મીર મોકલવા પર ચિંતા વ્યક્ત કરી હતી. મહેતાએ કહ્યું કે યાસીન મલિક કાશ્મીર જવા માટે દાવપેચ કરી રહ્યો છે અને તેથી જ તેણે આ કેસમાં કોઈ વકીલ રાખ્યો નથી. મહેતાએ કોર્ટને કહ્યું કે યાસીન મલિક સામાન્ય ગુનેગાર નથી. આ પછી, બેંચે કહ્યું કે તેઓ તિહાર જેલમાં જ યાસીન મલિકના કેસની સુનાવણી માટે સેશન્સ કોર્ટના જજને દિલ્હી બોલાવવા પર વિચાર કરી શકે છે, પરંતુ તે પહેલા આ કેસના તમામ આરોપીઓની સુનાવણી થવી જોઈએ. આ પછી કોર્ટે કેસની સુનાવણી 28 નવેમ્બર પર મુલતવી રાખી છે.