ભારતમાં વિમાની મુસાફરીનો રેકોર્ડ : એક દિવસમાં ૫ લાખથી વધુ લોકોએ કરી મુસાફરી
તહેવારો અને લગનગાળો કારણભૂત
૩૧૪૩ ડોમેસ્ટિક ફ્લાઈટમાં ૫,૦૫, ૪૧૨ મુસાફરો નોંધાયા
દેશમાં વિમાનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ભારતમાં રવિવારે પહેલીવાર એક જ દિવસમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 5 લાખને વટાવી ગઈ, જે એક નવો રેકોર્ડ છે. મુસાફરોનો આ આંકડો તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન હવાઇ મુસાફરીની મજબૂત માંગને દર્શાવે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર, એરલાઇન કંપનીઓએ 17 નવેમ્બર, 2024 ના રોજ 3,173 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું અને આ ફ્લાઇટ્સ દ્વારા 5,05,412 મુસાફરોએ મુસાફરી કરી હતી. આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ભારતીય આકાશ 17 નવેમ્બરે એક ઐતિહાસિક ઇવેન્ટનું સાક્ષી બન્યું જ્યારે એક જ દિવસમાં 5,05,412 મુસાફરોએ સ્થાનિક રીતે ઉડાન ભરી. એક દિવસમાં વિમાની પ્રવાસીઓએ પ્રથમ વખત 5 લાખનો આંકડો પાર કર્યો.”
નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ કહ્યું હતું કે આ આંકડા દર્શાવે છે કે હવાઈ મુસાફરી હવે લોકો માટે વધુ સુલભ બની છે અને ‘ઉડે દેશ કા આમ નાગરિક’ જેવી યોજનાઓને કારણે આ શક્ય બન્યું છે. કેન્દ્ર સરકારની પ્રાદેશિક એર કનેક્ટિવિટી સ્કીમ UDAN ઓક્ટોબર 2016માં શરૂ કરવામાં આવી હતી.