મહારાષ્ટ્રમાં મત ગણતરી પહેલાં અઘાડીમાં મુખ્યમંત્રીપદને લઈને ખેંચતાણ
પટોલેએ કહ્યું મુખ્યમંત્રી કોંગ્રેસનાં હશે તો શિવસેનાના રાઉતે કહ્યુ, અમે સહમત નથી
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના એક્ઝીટ પોલ મહાવિકાસ અઘાડીની વિરુધ્ધમાં આવ્યા છે આમ છતાં તેને નજરઅંદાઝ કરીને મુખ્યમંત્રીપદ માટે ખેંચતાણ શરુ થઇ ગઈ છે. 288 સીટો પરની મત ગણતરી શનિવારે થશે, પણ એ પહેલાં ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ઘરમાં ધમાધમ જેવો ઘાટ છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નાના પટોળેએ કહ્યું હતું કે નવી સરકારમાં CM કોંગ્રેસનો હશે, જ્યારે ગઠબંધનના સહયોગી અને શિવસેના UBTના સાંસદ સંજય રાઉતે પટોળેના નિવેદન સામે કહ્યું હતું કે અમે નહીં માનીએ.
નાના પટોળેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં આઘાડીની સરકાર બનશે.રાજ્યમાં કોંગ્રેસના સૌથી વધુ વિધાનસભ્યો ચૂંટાઈ આવશે. તેમના નિવેદનને ફગાવતાં રાઉતે કહ્યું હતું કે જો નાનાને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખરગેએ કહ્યું હોય કે તમે CM બનશો તો એનું એલાન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે રાઉતે કયા આધારે લખ્યું છે એ મને નથી માલૂમ, પણ તમે જાહેરમાં ગઠબંધન પર આ પ્રકારનો આરોપ નથી લગાવી શકતા. રાઉતના નિવેદનથી અમને વાંધો છે, એમ તેમણે કહ્યું હતું.
પટોલે અને સંજય રાઉત વચ્ચે નિવેદનબાજી થઈ હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા પણ બંનેએ હરિયાણામાં કોંગ્રેસની હાર પર નિવેદન આપ્યા હતા.
મહારાષ્ટ્રમાં 11માંથી છ એક્ઝિટ પોલમાં ભાજપની ગઠબંધન સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. બાકીના ચાર એક્ઝિટ પોલમાં કોંગ્રેસ ગઠબંધન એટલે કે મહાવિકાસ અઘાડીને બહુમતી મળવાનું કહેવાય છે. એક ત્રિશંકુ વિધાનસભા છે.