પેંડા ગેંગે મુરઘા ગેંગને ફોન કરીને પડકાર્યા બાદ ખેલાયું ગોળીયુદ્ધ, અંતે રાજકોટ પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો
રાજકોટમાં ઘણા લાંબા સમયથી ગેંગવોર શાંત પડી ગઈ હતી જેના કારણે પોલીસ પણ રાહતનો શ્વાસ લઈ રહી હતી બરાબર ત્યારે જ ફરી બે ગેંગે માથું ઉંચક્યું અને ક્યારેય કલ્પના પણ ન કરી હોય તે પ્રકારે ફિલ્મી સ્ટાઈલમાં એકબીજા ઉપર જાહેર રોડ પર ગોળીયુદ્ધ ખેલતા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ થઈ ગયાનું સૌ કોઈ માની રહ્યું છે. મંગળા રોડ પર બુધવારે રાત્રે 3ઃ30 વાગ્યા આસપાસ કુખ્યાત પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે ગોળીયુદ્ધ ખેલાયું હતું જેમાં ખુદ પોલીસે જ ફરિયાદી બની હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ 11 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. આ પૈકી આઠથી વધુ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ રાઉન્ડ અપ કર્યા બાદ પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે પેંડા ગેંગે જ મુરઘા ગેંગને ફોન કરીને પડકારતા આ ગોળીયુદ્ધ ખેલાયું હતું.

આ ઘટનામાં એ-ડિવિઝન પીએસઆઈ સત્યજીતસિંહ રાણા ફરિયાદી બન્યા હતા જેમણે ફરિયાદમાં જણાવ્યું કે મંગળા રોડ પર બુધવારની રાત્રે 3ઃ30 વાગ્યે ફાયરિંગ થયાનું સામે આવ્યું હતું. આ પછી તપાસ કરતા એવી વિગત સામે આવી હતી કે હોસ્પિટલમાં જાવિદ જુસબભાઈ જુણેજા દાખલ હોય તેના જમાઈ અબ્દુલ્લા ભીખુભાઈ ઘાડા ત્યાં હાજર હતો. આ વેળાએ અબ્દુલાની પત્ની રોશન, સાળી યાસ્મીન, પુત્ર શાહનવાઝ તેમજ તેના મિત્રો સમીર ઉર્ફે મુરઘો, સોહિલ સિકંદરભાઈ ચાનીયા, સોહિલ દિવાન ફકીર, અમન અલ્તાફભાઈ પીપરવાડીયા સહિતના હોસ્પિટલમાં નીચે બેઠા હતા. આ વેળાએ સફેદ કલરની નંબર પ્લેટ વગરની એક આઈ-20 કાર ધસી આવી હતી તેમાંથી ચાર વ્યક્તિઓ નીચે ઉતર્યા હતા અને ફાયરિંદ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગ મેટીયો ઝાલા (રહે.પુનિતનગર ટાંકા પાસે) તેમજ ભયલુ ગઢવી (રહે.હુડકો પોલીસ ચોકી પાસે) હોવાનું અબ્દુલ્લાએ જણાવ્યું હતું. તેમજ તેની સાથે આવેલા શખસો પાસે ધોકા સહિતના હથિયાર હતા. આ લોકો ફાયરિંગ કરીને નાસી જતાં તમામ લોકો તેની પાછલ દોડ્યા હતા. આ વેળશએ અબ્દુલ્લાનો સાળો સમીર ઉર્ફે સંજલો જુણેજા આગળ પોતાની કારમાં બેઠો હોય તેણે તુરંત જ કારમાંથી હથિયાર કાઢી આઈ-20 કાર ઉપર ફાયરિંગ કર્યું હતું.

એકંદરે ફાયરિંગ કરનાર તમામ શખસો ઓળખાઈ જતાં તમામ સામે નામજોગ ગુનો એ-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવનું મુખ્ય કારણ એ છે કે ગત ઉતરાયણના દિવસે અબ્દુલ્લાના ભાણેજ સોહિલ સિકંદરભાઈ ચાનીયાને ગોકુલધામ ક્વાર્ટરમાં માથાકૂટ થયાની ફરિયાદ માલવિયાનગર પોલીસ મથકમાં થઈ હતી. એ સમયે મેટિયા ઝાલા તેમજ તેના સાગ્રીતોએ સોહિલના હાથ-પગ ભાંગી નાખ્યા હતા જેનો ખાર રાખી અબ્દુલ્લાના પુત્ર શાહનવાઝ તેમજ તેના મિત્ર સમીર ઉર્ફે મુરઘાએ પરેશ ઉર્ફે પરિયા ગઢવી ઉપર પુનિતના ટાંકા પાસે ફાયરિંગ કર્યું હતું. આ અંગેની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. ત્યારબાદ ભયલુ ગઢવી તેમજ મેટિયા ઝાલાએ ગત 15 ઓગસ્ટે જંગલેશ્વરમાં ધસી આવી શાહનવાઝ ઉપર ફાયરિંગ કર્યું હતું.

એકંદરે આ સમગ્ર ડખ્ખો ગોકુલધામમાં રહેતી રાધિકા મહેન્દ્રભાઈ મકવાણા બાબતે જ બન્ને ગેંગ વચ્ચે શરૂ થયો હતો જે અત્યાર સુધી યથાવત રહ્યો હતો. ગુનો નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમે ભયલો ગઢવી, મેટિયો ઝાલા, મોન્ટુ કોળી, હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવીને રાઉન્ડ અપ કર્યા હતા જ્યારે અન્ય બે આરોપીઓને એસઓજીએ સકંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું. હજુ આ ગુનામાં સમીર ઉર્ફે સંજલો જાવિદભાઈ જુણેજા, અબ્દુલ્લાહ ઉર્ફે દુલિયો ભીખુભાઈ ઘાડા, શાહનવાઝ અબ્દુલ્લાહ ઉર્ફે દુલિયો ભીખુભાઈ ઘાડા, શાહનવાઝના મિત્રો સમીર ઉર્ફે મુરઘો, સોહિલ સિકંદરભાઈ ચાનિયા, સોહિલ દિવાન ફકીર અને અમન અલ્તાફભાઈ પીપરવાડિયા સહિતના સામે પણ ગુનો દાખલ કરાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે બુધવારે રાત્રે પેંડા ગેંગનો ભયલો ગઢવી મુરઘા ગેંગને ભટકાઈ જતાં બધા તેને પકડવા પાછળ દોડ્યા હતા. ભયલો ગઢવી મુઠ્ઠી વાળીને ભાગી ગયો હતો પરંતુ થોડે દૂર જઈને પછડાટ ખાઈ જતા હાથમાં ઈજા પણ પહોંચી હતી જો કે તે મુરઘા ગેંગના હાથમાં આવ્યો ન્હોતો. આ પછી તેણે અન્ય સાગ્રીતો મેટિયો ઝાલા, મોન્ટુ કોળી, હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી સહિતને ફોન કરીને બોલાવ્યા હતા અને બધા ભેગા થયા બાદ મુરઘા ગેંગને ફોન કરીને કહ્યું હતું કે `તમે તૈયારીમાં રહેજો, અમે આવીએ જ છીએ’ આ સાંભળી મુરઘા ગેંગનો સમીર ઉર્ફે સંજલો સહિતના કે જેમની પાસે એક હથિયાર હતું તે સજ્જ થઈ ગયા હતા જ્યારે પેંડા ગેંગ ત્રણ હથિયાર સાથે સ્થળ પર ઉપર પહોંચી હતી અને પછી સામસામું ગોળીયુદ્ધ ખેલાયું હોવાની વાત સામે આવી હતી.
ફાયરિંગ કર્યા બાદ બન્ને ગેંગે સમાધાન પણ કરી લીધું હતું !
પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મધરાત્રે મંગળા રોડ પર એકબીજા પર ફાયરિંગ કર્યા બાદ તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. જો કે આટલો ગંભીર બનાવ બન્યો હોય પોલીસ છોડશે નહીં તેવું પામી જતાં બન્ને ગેંગે એકબીજા સાથે ફોન ઉપર વાત કરી સમાધાન કરી લીધું હતું એટલા માટે જ બેમાંથી એક પણ પક્ષ ફરિયાદ કરવા આવ્યો ન હોય આખરે પોલીસે જ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો.
