GST સ્લેબમાં ફેરફાર બાદ કંપનીઓએ ભાવ ઘટાડવા જ પડશે, નહિતર પગલાં લેવાશે : બધી જ ચીજોના ભાવ પર રખાશે નજર
GSTમાં મુકાયેલા કાપનો લાભ લોકો સુધી પહોંચે તે દિશામાં કેન્દ્ર સરકાર ગંભીરતા સાથે આગળ વધી રહી છે અને કામગીરી ઝડપી બનાવી છે. લોકો સુધી લાભ પહોંચે તે માટે સતત નજર રાખવા માટે પ્લાન બનાવાયો છે અને તે મુજબ બેઠકો પણ ચાલી રહી છે. 2 સ્લેબનો અને ઘટેલા દરનો અમલ 22 સપ્ટેમ્બરથી થવાનો છે. બધી જ ચીજોના ભાવ પર નજર રખાશે. જો અમલ નહિ થાય તો કડક પગલાં પણ લેવાશે.

આ માટે નાણા મંત્રાલય અને સીબીઆઇસીના અધિકારીઓની અનેક ટીમ બનાવાઇ છે. આ ટીમો ઉત્પાદનોના ભાવ પર નજર રાખશે. કંપનીઓ દ્વારા ઘટેલા ભાવ લોકો સુધી અપાયા છે કે નહિ તેની ચકાસણી કરશે અને તેનો અહેવાલ સરકારને આપશે.
આ કાર્યવાહી માટે નાણા મંત્રાલયમાં એક વિસ્તૃત ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જે મુજબ નાણા મંત્રી નિર્મલા આગામી સમયમાં કંપનીઓ અને વેપારીઓ સાથે વાતચીત કરશે અને કેટલીક ખાસ સૂચના પણ આપશે. આ બેઠકોમાં ખાસ સૂચના અપાશે કે ટેક્સમાં કાપનો લાભ બરાબર લોકોને આપવામાં આવે.
22 સપ્ટેમ્બર બાદ અધિકારીઓ ગ્રાઉન્ડ વર્ક કરશે અને કંપનીઓ દ્વારા ભાવ ઘટાડીને લોકોને લાભ આપ્યો છે કે નહિ તેની ખરાઈ કરશે. કઈ ચીજના કેટલા ભાવ ઘટાડાયા છે તેની માહિતી લેશે અને જો આમ નહિ થયું હોય તો જે તે વેપારી કે કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.