પુતિન બાદ હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ભારતની યાત્રા કરશે : તારીખ અંગે અધિકારીઓ ચર્ચા, PM મોદી સાથે મહત્વની મંત્રણા થશે
બદલાયેલા વૈશ્વિક વાતાવરણ અને રશિયા તથા યુક્રેન યુધ્ધ વચ્ચે રશિયાના પ્રમુખ પુતિન ભારતમાં બે દિવસની મુલાકાત પૂર્ણ કરી રહ્યા છે અને અનેક સમજુતીઓ અને કરારો પણ થયા છે. વિશ્વના બધા જ દેશોની નજર પુતિનની ભારત યાત્રા પર મંડાઇ ગઇ હતી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ બળતરા સાથે આ મુલાકાતની ગંભીર નોંધ લીધી છે. હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પણ ભારતની મુલાકાત લઇ શકે છે.
રવિવારે બહાર આવેલા અહેવાલો મુજબ ઝેલેન્સ્કી ભારત આવવા માંગે છે અને વડાપ્રધાન મોદી સાથે મહત્વની બેઠક કરવા માંગે છે. યુક્રેનના અધિકારીઓ ઝેલેન્સ્કીની ભારત યાત્રાનો કાર્યક્રમ ઘડવા માટે વાતચીત કરી રહ્યા છે અને ટુંક સમયમાં તારીખની જાહેરાત પણ થઇ શકે છે. એક તરફ અમેરિકાના પ્રમુખ રશિયા અને યુક્રેન યુધ્ધ વચ્ચે પોતાની યોજના આગળ કરી ચુક્યા છે પરંતુ બન્ને દેશોને તેની અનેક જોગવાઇઓ સ્વીકાર્ય નથી ત્યારે ઝેલેન્સ્કીની ભારતની મુલાકાત ખુબ જ મહત્વની બની રહેશે તેમ મનાય છે. યુધ્ધ ઉપરાંત અન્ય કેટલીક મહત્વની બાબતો અંગે પણ ઝેલેન્સ્કી અને મોદી વચ્ચે ચર્ચા થઇ શકે છે તેવી સંભાવના છે.
આ પણ વાંચો :આટકોટમાં SMCએ બે કરોડનો દારૂ પકડ્યોઃ રૂરલ પોલીસમાં હડકંપ! 26,726 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેન યુધ્ધ 2022માં શરૂ થયા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે 4 વખત મુલાકાત થઇ ચુકી છે. દરેક વખતે વડાપ્રધાન મોદીએ વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવાની ભલામણ કરી હતી આ વખતે પણ વડાપ્રધાન આવી જ ભલામણ કરશે તેમ માનવમાં આવે છે.
