નીતિન પટેલે મહેસાણાની ટીકીટ માગ્યા પછી અચાનક બન્યા રણછોડ…જુઓ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની દાવેદારી પછી ખેંચી લીધી
ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક માટેની દાવેદારી પાછી ખેંચી લીધી છે. નીતિન પટેલને મહેસાણાની ટિકિટ મળશે એવું માનવામાં આવતું હતું પરંતુ તેમણે કોઈ કારણોસર પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે. નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી છે. નીતિન ભાઈના વલણમાં અચાનક આવો ફેરફાર કેમ થયો તે સમજવું મુશ્કેલ છે અને ભાજપને નજીકથી જાણતા લોકો પણ આ નિર્ણયથી આશ્ચર્ય પામ્યા છે.
હજુ એક દિવસ અગાઉ જ ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી જેમાં ગુજરાતની 15 લોકસભા બેઠકોના નામ સામેલ હતા અને તેમાં મહેસાણાની ટીકીટ હજુ બાકી છે. ત્યાં રવિવારે નીતિન પટેલે ધડાકો કર્યો હતો કે તેઓ મહેસાણા લોકસભાની બેઠક માટે ચૂંટણી લડવા માંગતા નથી. તેથી તેઓ ભાજપની ટિકિટ મેળવવા માટે હરિફાઈમાં નથી.
નીતિન પટેલે ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું છે કેઃ મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે મેં કેટલાક કારણોસર ઉમેદવારી નોંધાવી હતી. રવિવારે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે. તે અગાઉ જ હું ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પાછી ખેંચું છું.
નીતિન પટેલે આગળ લખ્યું છે કે માનનીય નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનીને આખી દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેમણે ભાજપના તમામ કાર્યકરો, શુભેચ્છકો અને તમામ સાથીદારોનો પણ આભાર માન્યો હતો.