રાજકોટમાં સર્કલ નાના કર્યા બાદ હવે કાલાવડ રોડ પર BAPS મંદિર પાસેનું ડિવાઈડર ખોલવા મનપાનો નિર્ણય
- ૨૨ સર્કલ
રાતોરાત' નાના કરવાનું શરૂ કર્યા બાદ હવે વર્ષો જૂનીપેન્ડીંગ’ માંગણી પર કરાશે અમલ - ડિવાઈડર ખોલાવવા મ્યુનિ.કમિશનરે કરી લીધી તૈયારી:
ભલામણ'નો ધોધ ન છૂટે તો ટૂંક સમયમાં રસ્તો ક્લિયર કરાવાશે
રાજકોટમાં ટ્રાફિક સમસ્યાને આમંત્રણ આપતાં મહાકાય સર્કલને નાના કરી ચાલકોને બહુ વધુ તો નહીં બલ્કે મહદ અંશેરાહત’ આપવાનું આખરે મહાપાલિકાને સૂઝ્યું છે. શહેરના ૨૨ જેટલા સર્કલો પૈકી ઘણાબધા સર્કલ્સ રાતોરાત' નાના કરી નાખવામાં આવ્યા છે અને દિવાળી પહેલાં તમામ સર્કલ ટૂંકાવાઈ જવાની શક્યતા છે ત્યારે હવે મહાપાલિકાએ જાણે કેહિંમત’ની ગોળી ખાઈ લીધી હોય તેવી રીતે કાલાવડ રોડ પર બીએપીએસ મંદિર પાસેનું ડિવાઈડર ખોલવા માટેની વર્ષો જૂની માંગણીનો અમલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર ખોલવાની માંગણી ઘણા લાંબા સમયથી થઈ રહી હતી ત્યારે હવે સર્કલ નાના કરવામાં આવી રહ્યા છે ત્યારે ડિવાઈડર ખોલી નાખવાથી કાલાવડ રોડની ટ્રાફિક સમસ્યામાં ઘણી રાહત મળે તેમ છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ડિવાઈડર ખોલવાનો પ્રયોગ કરવામાં આવશે. હાલ અહીં બે ડિવાઈડર આવેલા છે જે પૈકીનું એક ડિવાઈડર પોલીસ સાથે સંકલનમાં રહીને ખોલવામાં આવશે. જો કોઈ પ્રકારની અડચણ કે અકસ્માત નહીં થાય તો પછી બીજું ડિવાઈડર પણ ખુલ્લું મુકી દેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પણ આ ડિવાઈડર ખુલ્લું મુકવાની એક નહીં બલ્કે અનેક વખત માંગણી કરવામાં આવી હતી પરંતુ બન્ને અધિકારીઓ દ્વારા આ શક્ય જ નથી' તેવું કહીને આ માંગ ટાળી દેવામાં આવી હતી. આ પાછળ ઘણી બધીભલામણ’ પણ કામ કરતી હોવાની ચર્ચા એ સમયે શરૂ થઈ હતી. હવે જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડિવાઈડર ખોલવાનું મૌખિક કહેવામાં આવ્યું છે ત્યારે જો કોઈ પ્રકારની ભલામણ' કે તંત્ર ઉપરદબાણ’ લાવવામાં નહીં આવે તો ચોક્કસપણે ડિવાઈડર ખૂલી જશે.
આ ડિવાઈડરને કારણે અનેક વાહનચાલકોને ફરજિયાતપણે કોટેચા ચોક સર્કલ સુધી લાંબું થવું પડતું હતું અને ત્યાંથી ટર્ન લીધા બાદ તેઓ મંદિરવાળા રસ્તા સુધી આવી શકતા હતા. આમ થવાને કારણે કોટેચા ચોકમાં વાહનોના થપ્પા પણ લાગી રહ્યા હતા જેના કારણે ત્યાંનું સર્કલ નાનું કરવાનું કામ ચાલી રહ્યું છે. વળી, મહાપાલિકા દ્વારા કોટેચા ચોક સર્કલ પહેલાં ડિવાઈડર તોડી પાડીને ત્યાંથી વળાંક લેવાનો રસ્તો આપવામાં આવ્યો છે જ્યાં અત્યાર સુધી કોઈ એવો અકસ્માત થવા પામ્યો નથી ત્યારે જો બીએપીએસ મંદિર સામેનું ડિવાઈડર ખોલી નાખવામાં આવે તો અકસ્માત થવાની શક્યતા બહુ ઓછી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
જો કે એ વાત પણ મહત્ત્વની છે કે ડિવાઈડર ખોલ્યા બાદ અહીં ટ્રાફિક પોલીસે તૈનાત રહીને વાહન ચાલકો પાસે નિયમોનું ચુસ્ત પાલન કરાવવું પડશે.
