જનતાદળ યુ બાદ આરએલડી પણ એનડીએમાં સામેલ થશે
લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો હતો. નીતીશ કુમાર બાદ રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના અધ્યક્ષ જયંત ચૌધરી ભાજપ સાથેના ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે ઉત્તર પ્રદેશમાં આરએલડીને ચાર લોકસભા બેઠકોની ઑફર કરી છે. ત્યારબાદ વાયુવેગે ચર્ચા ફેલાઈ હતી કે, આરએલડી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તુટી શકે છે.
ભાજપે કૈરાના, બાગપત, મથુરા અને અમરોહા લોકસભા બેઠકની ઓફર કરી છે. બીજીતરફ સમાજવાદી પાર્ટી ઈચ્છતી હતી કે, આરએલડીના ઉમેદવાર મુઝફ્ફરનગર, કૈરાના, બિજનૌર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે. આ જ કારણે આરએલડી અને સપાનું ગઠબંધન તૂટવાનું કારણ દેખાઈ રહ્યું છે.
તાજેતરમાં જ જનતા દળ યુનાઈટેડના વડા નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન બનાવી ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો હતો અને તેમણે બિહારમાં નવી સરકાર બનાવી હતી. હવે આરએલડી પણ ઈન્ડિયા ગઠબંધનને ઝટકો આપી ભાજપ સાથે હાથ મિલાવવાની તૈયારીમાં છે.