GSTમાં ઘટાડા બાદ કાર, બાઇકની કંપનીઓએ જૂના -નવા ભાવના પોસ્ટર લગાવવા પડશે : કેન્દ્ર સરકારે આપ્યો આદેશ
ભારે ઉદ્યોગ મંત્રાલયએ દેશની તમામ કાર અને બાઇક કંપનીઓને તેમના ડીલરશીપ પર GST ઘટાડા પછી જૂની કિંમત અને નવી કિંમત દર્શાવતા પોસ્ટર લગાવવા જણાવ્યું છે. આ પોસ્ટરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ હશે. સરકારી અધિકારીઓ અને ઉદ્યોગ અધિકારીઓએ આ બાબતની પુષ્ટિ કરી છે. લોકો સુધી GST ઘટાડાનો લાભ પહોંચે છે કે નહી તેના પર સરકાર આ રીતે નજર રાખશે.
મંત્રાલયે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ દ્વારા કંપનીઓને આ નિર્દેશ મોકલ્યો છે. હવે કંપનીઓના અધિકારીઓ પોસ્ટરો ડિઝાઇન કરાવી રહ્યા છે અને મંત્રાલયની મંજૂરી મળ્યા પછી જ તેમને ડીલરશીપ પર લગાવશે કે નહીં તે હજુ નક્કી થયું નથી.
જોકે, હજુ સુધી એ નક્કી થયું નથી કે કંપનીઓ કે ડીલરશીપ પોસ્ટરોના છાપકામ અને વિતરણનો ખર્ચ ઉઠાવશે કે નહીં. અધિકારીઓ કહે છે કે પોસ્ટરો અલગ અલગ સ્થળો માટે સ્થાનિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે, જેનાથી પ્રશ્ન ઉભો થાય છે કે શું દરેક ભાષામાં પોસ્ટરોને અલગ મંજૂરીની જરૂર છે.
ઉદ્યોગના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ઓટોમોબાઇલ કંપનીઓ આ સમગ્ર કાર્ય પર ઓછામાં ઓછા રૂપિયા 20 કે 30 કરોડ ખર્ચ કરશે. આ પોસ્ટરો આ અઠવાડિયાના અંત સુધીમાં ડીલરશીપ પર લગાવવામાં આવે તેવી અપેક્ષા છે. લક્ઝરી કાર કંપનીઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા અને કિયા જેવી મોટી કાર કંપનીઓએ પહેલાથી જ કહ્યું છે કે તેઓ ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપશે, જેના કારણે બધી કારની કિંમતોમાં ઘટાડો થશે.GST કાઉન્સિલે તાજેતરમાં નાની કાર પરનો ટેક્સ 29-31% થી ઘટાડીને 18% કર્યો છે. મોટી કાર પરનો ટેક્સ 50% થી ઘટાડીને 40% કરવામાં આવ્યો છે અને વળતર સેસ દૂર કરવામાં આવ્યો છે.
