બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપ્યા બાદ હવે લોકોની નજર રીઝર્વ બેન્ક ઉપર મંડાયેલી
નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં મધ્યમ વર્ગને ભરપુર છૂટ આપ્યા પછી હવે લોકોની નજર રીઝર્વ બેન્ક ઉપર મંડાયેલી છે. રીઝર્વ બેન્ક તા. ૫ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન તેની મોનીટરીંગ પોલિસી અંગે ચર્ચા વિચારણા કરશે અને ત્યાર બાદ વ્યાજ દરમાં વધારા-ઘટાડા અંગે નિર્ણય લેશે. બજેટ બાદ હવે વ્યાજદર અંગે પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે તેવી સહુને આશા છે. આરબીઆઈની આ બેઠક નાણાકીય વર્ષ 2024ની છેલ્લી બેઠક હશે.
બજેટમાં કરમુક્તિની જાહેરાત બાદ મધ્યમ વર્ગને આશા છે કે વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. ડિસેમ્બરમાં ફુગાવાના આંકડાને જોતા એવો પણ અંદાજ છે કે પોલીસી રેટમાં રેટ કટની જાહેરાત શક્ય છે. જો આમ થશે તો આનો સૌથી મોટો ફાયદો મધ્યમ વર્ગને થશે, કારણ કે તેમને ઓછા વ્યાજ દરે લોન મળશે અને તેમના EMIમાં પણ ઘટાડો થશે. હાલમાં રેપોરેટ એટલે કે વ્યાજ દર 6.5% છે. આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના ઉભરતા વલણોને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં 25 પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો વ્યાજદર ઘટીને 6.25% થઈ જશે. જો આવી જાહેરાત કરવામાં આવે છે તો છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ કાપ હશે, કારણ કે ફેબ્રુઆરી 2023થી રેપોરેટ 6.5 ટકા પર યથાવત છે.
રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક દેશની અન્ય બેંકોને ધિરાણ આપે છે. સીધું ગણિત છે કે જો બેંકોને ઓછા વ્યાજ દરે લોન મળે તો તેઓ પણ ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન આપી શકે. ગ્રાહકોને હોમ લોન, કાર લોન, પર્સનલ લોન ઓછા વ્યાજ દરે મળી શકે અને તેમનો EMI પણ ઘટી જાય. તેમનો EMIનો બોજ ઓછો થાય. આમ મધ્યમ વર્ગને મોટો ફાયદો થાય અને સાથે સાથે બજારમાં પ્રવાહિતા પણ વધે.