આવકવેરામાં મુક્તિ પછી બાદ હવે જીસટીમાં મોટા ફેરફારની તૈયારી : 12 ટકાનો સ્લેબ થઈ શકે છે સમાપ્ત, સરકારે તૈયારી શરૂ કરી
કેન્દ્રીય બજેટમાં આવકવેરાના દરોને તર્કસંગત બનાવ્યા પછી, સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનું પણ વિચારી શકે છે. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કેન્દ્ર બધા રાજ્યોને તેમાં સામેલ કરવા માટે કામ કરે છે. નવા ફેરફાર તરીકે ૧૨ ટકાનો સ્લેબ સમાપ્ત પણ થઈ શકે છે. અત્યારે ૫, ૧૨, ૧૮ અને ૨૮ એમ ૪ સ્લેબ છે.
સરકારી સૂત્રોએ એમ કહ્યું છે કે જીએસટીને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે અને કોઈપણ ફેરફારોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા રાજ્યો વચ્ચે સર્વસંમતિ સુનિશ્ચિત કરવાનો સરકારનો પ્રયાસ રહેશે . જો બધા સહમત હશે તો ઝડપી સુધારા થઈ શકે છે .
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટની જાહેરાત બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં તેમણે 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યક્તિઓને આવકવેરામાંથી મુક્તિ આપીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી હતી. નાણામંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે આ ફેરફારોને કારણે સરકારને 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
સરકારે આગામી નાણાકીય વર્ષ માટે જીએસટી વૃદ્ધિ દર 10.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે બજેટમાં અંદાજવામાં આવેલા 10.1 ટકાના સામાન્ય વૃદ્ધિ દર કરતા વધારે છે. ગ્રુપ ઓફ મિનિસ્ટર પેનલ દ્વારા આ બારામાં ચર્ચા કરવામાં આવશે.