ઉઘાડું પડી ગયા બાદ ભારત હવેટેરિફ ઘટાડવા તૈયાર થઈ ગયું છે : ભારત જાહેરાત કરે એ પહેલા જ ટ્રમ્પનો ધડાકો
ભારતે અમેરિકન આયાતો પર ટેરિફ ઘટાડવાનું સ્વીકાર્યું હોવાનો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધડાકો કર્યો છે. ભારત પર 2 એપ્રિલથી સમાન ટેક્સ લગાવવાની ટ્રમ્પની ઘોષણાને પગલે બન્ને દેશો વચ્ચે ટેરિફ ઘટાડા અને દ્વિપક્ષીય વ્યાપાર વધારવા અંગે વાટાઘાટો ચાલુ છે ત્યારે જ, ભારત કોઈ સતાવાર જાહેરાત કરે તે પહેલા જ ટ્રમ્પે ટેલિવિઝન પરના સંબોધનમાં આ ઘટ:સ્ફોટ કરી દીધો હતો.
ટ્રમ્પે કહ્યું કે ભારત આખરે અમેરિકી આયતો પર ટેરિફ ઘટાડવા તૈયાર થઈ ગયું છે કારણ કે ‘ કોઈ ‘ તેમને ખુલ્લા પાડી રહ્યું છે.ભારત ટેરિફ ઘટાડવા સંમત થયું તેનો યશ તેમણે પોતાના વહીવટીતંત્રને આપ્યો હતો.તેમણે કહ્યું,” ભારત આપણા પર ભારે ટેરિફ લગાવે છે. ખૂબ જ ભારે. તમે ભારતમાં કંઈ પણ વેચી શકતા નથી… તેમણે હવે સ્વીકાર્યું છે, બાય ધ વે; તેઓ હવે તેમના ટેરિફને ઘટાડવા માગે છે કારણ કે તેમણે જે કર્યું તેને કોઈક આખરે ખુલ્લું પાડી રહ્યું છે,”
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે થોડા દિવસો પહેલાં, અમેરિકાએ ભારતને ખેતીના ઉત્પાદનો સિવાયની લગભગ તમામ વસ્તુઓ પર ટેરિફ હટાવવા જણાવ્યું હતું, એક અહેવાલ મુજબ. જો આ માંગ સ્વીકારાઈ હોત તો ભારતે પોતાની વેપાર સુરક્ષા છોડી દેવી પડી હોત અને તેના બદલામાં કોઈ છૂટ મળી ન હોત.બીજી તરફ ટ્રમ્પની ધમકી બાદ ભારતે હાઈ એન્ડ મોટરસાયકલ, લક્ઝરી કાર અને અને બોર્બન વ્હિસ્કી પર ટેરિફ ઘટાડી સમાધાનકારી અને સકારાત્મક વલણ ના નિર્દેશ આપ્યા હતા.જો કે ટ્રમ્પ વહીવટી તંત્રે બે ચાર
પસંદગીની ચીજવસ્તુઓ જ નહીં પરંતુ અમેરિકાથી ભારતમાં આયાત થતા તમામ ઉત્પાદનો ઉપર ટેરિફ ઘટાડવાનું દબાણ ચાલુ રાખ્યું છે. એ સંજોગોમાં ‘ભારત આખરે તેરી ઘટાડવા તૈયાર થઈ ગયું ‘ હોવાનું ટ્રમ્પનું નિવેદન ખૂબ સૂચક માનવામાં આવે છે.ભારતે જો કે ટ્રમ્પના એ દાવા અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
પિયુષ ગોયલ અમેરિકામાં છે ત્યારે જ યુએસના વાણિજ્ય મંત્રીની ગર્ભિત ધમકી
ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ પોતાના બધા પૂર્વનિર્ધારિત કાર્યક્રમો રદ કરીને અમેરિકા ગયા છે.જો કે તેમની એ મુલાકાત અંગે યુએસ મીડિયામાં કોઈ નોંધ નથી લેવામાં આવી.તેમણે કોની સાથે મુલાકાત કરી અને એ મુલાકાતની ફળશ્રુતિ અંગે ભારતે પણ હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત નથી કરી.એ દરમિયાનમાં એક મીડિયા હાઉસની કોન્કલેવમાં, ભારત સાથેના વેપાર સોદાનું નેતૃત્વ કરી રહેલા અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિકે ભારત વિશ્વમાં સૌથી વધારે ટેરિફ ધરાવતું હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું અને એ ઊંચા ટેરિફને કારણે ભારત અને યુએસ વચ્ચેના ‘ ખાસ ‘ સંબંધોનું પુનર્મૂલ્યાંકન જરૂરી બનશે તેવી ગર્ભિત ધમકી આપી હતી.