રાત્રે ૧૨ વાગ્યા પછી સાઉન્ડ બંધ પણ ગરબા ચાલુ
લાઉડ સ્પીકર વગર ચાલતા ગરબા હવે પોલીસ બંધ નહી કરાવે
ગૃહ મંત્રાલયે પોલીસ તંત્રને આપી મૌખિક સુચના
ચા-પાનની દુકાનો અને હોટેલો પણ બંધ નહી કરાવાય
હાલમાં નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં લોકો ઉમંગ અને ઉલ્લાસથી આ નવરાત્રીને માણી રહ્યા છે ત્યારે ગૃહવિભાગે રાત્રે ૧૨ વાગ્યા પછી સાઉન્ડ વગર ચાલતા ગરબા બંધ નહી કરાવવા પોલીસને મૌખિક આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં અર્વાચીન ગરબા રાત્રે ૧૨ વાગ્યે બંધ કરાવી દેવામાં આવે છે અને સાથોસાથ ચા-પાનની દુકાનો પણ ૧૨ વાગ્યે જ બંધ કરાવી દેવામાં આવે છે પણ હવેથી આ દુકાનો પણ બંધ નહી કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.
ગૃહ વિભાગના સુત્રો અનુસાર, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર, સમગ્ર રાજ્યમાં રાત્રે ૧૨ વાગ્યે નવરાત્રીમાં લાઉડસ્પીકર બંધ કરાવી દેવામાં આવે છે એટલું જ નહી ગરબા પણ બંધ કરાવી દેવામાં આવે છે. રાત્રે ૧૨ વાગતાની સાથે જ જે તે સ્થળે પી.સી.આર. વેન પહોચી જાય છે અને બધું સમેટી લેવા જણાવાય છે.
ઘણી વખત પોલીસ નિયમના અમલમાં અતિશયોક્તિ પણ કરે છે અને આયોજનની વચ્ચે જઈને દંડા પછાડે છે તેવી ફરિયાદો વારંવાર ઉપર સુધી પહોચતી હોય છે. નવરાત્રી પર્વ ગુજરાતીઓ માટે આનંદ અને ઉલ્લાસનું પર્વ છે અને લોકો નિર્ભીક થઈને તેમાં ભાગ લેતા હોય છે. રાત્રે ૧૨ વાગ્યે ગરબા બંધ થયા પછી ચા-નાસ્તાની હોટેલોમાં પણ ખાસ્સી ભીડ જામે છે પણ પોલીસ આવી હોટેલો પણ બંધ કરાવે છે પરિણામે લોકોમાં નારાજગી ઉભી થાય છે.
આ પ્રકારની ફરિયાદોના આધારે ગૃહ મંત્રાલયે રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈ લાઉડસ્પીકરના ઉપયોગ વગર ગરબા ચાલુ રાખવા માગતું હોય તો પોલીસ અટકાવે નહી તેવી મૌખિક સુચના આપી છે. એટલું જ નહી પણ ચા-નાસ્તાની લારીઓ અને હોટેલો બંધ નહી કરાવવા પણ જણાવાયુ છે.
એક તરફ રાજ્ય સરકારે આખા રાજ્યમાં દુકાનો અને હોટેલો ચોવીસેય કલાક ખુલ્લી રાખવાની છૂટ આપેલી છે પણ પોલીસ ચેકિંગ અને પેટ્રોલિંગનાં નામે પોતાની રીતે ૧૨ વાગ્યાની આસપાસ બધું બંધ કરાવી દ્યે છે. કેટલાક વિસ્તારોમાં તો રાત્રે ૧૧ વાગ્યે દંડા પછાડીને બધું બંધ કરવા સુચના આપવામાં આવે છે. પોલીસની આવી જોહુકમી સામે લોકોમાં રોષ તો છે જ પણ હવે આજે રાજ્ય સરકારે પોલીસને આવી રીતે જડની જેમ નહી વર્તવાની સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
આ નિર્ણયથી ખેલૈયાઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાજકોટના કેટલાક આયોજકોએ તો આજે જ લાઉડસ્પીકર વગર ૧૨ વાગ્યા પછી ગરબા રમાડવાની જાહેરાત પણ કરી દીધી છે.