આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
ટી-20 વર્લ્ડકપ-2026માં ભારતે ઝીમ્બાબ્વેને 72 રને હરાવ્યું હતું. આ સાથે જ સુપર-8ના ગ્રુપ-1માંથી સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ઝીમ્બાબ્વે બહાર થયું હતું. હવે ગ્રુપ-1માં ભારત અથવા વેસ્ટ ઈન્ડિઝ બેમાંથી એક સેમિફાઈનલમાં પહોંચશે. બન્ને વચ્ચે આવતીકાલે રવિવારે કોલકત્તાના ઈડન ગાર્ડન્સ પર ટક્કર થવાની છે જે કરો યા મરો સમાન બની રહેશે મતલબ કે જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે અને હારનારી ટીમ ઘેર જશે. આ ઉપરાંત ગ્રુપ-૨માંથી ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યું હતું.
સુપર-8ના પોતાના પ્રથમ મેચમાં આફ્રિકાએ ભારતને હરાવ્યું હતું. આ પછી વિન્ડિઝે ઝીમ્બાબ્વેને ખરાબ રીતે હરાવતા ભારતનો માર્ગ કપરો થઈ ગયો હતો. જો કે આફ્રિકાએ ગુરૂત્તારે વિન્ડિઝને હરાવીને ભારતનો કપરો થયેલો રસ્તો મોકળો કરી આપ્યો હતો. ભારતે સેમિફાઈનલમાં પહોંચવા માટે ઝીમ્બાબ્વે અને વિન્ડિઝને હરાવવું જરૂરી છે જેમાંથી ઝીમ્બાબ્વેને હરાવી સેમિફાઈનલ તરફ એક પગલું માંડ્યું છે.
ભારતે સુપર-8માં ઝીમ્બાબ્વેને હરાવીને પહેલી જીત મેળવી હતી જેના કારણે તેના બે પોઈન્ટ થઈ ગયા છે. વિન્ડિઝના પણ બે મેચમાં બે પોઈન્ટ છે પરંતુ તેની રનરેટ ભારત કરતા સારી છે. જો કે હવે મામલો રનરેટ પર નહીં પરંતુ હાર-જીત ઉપર નિર્ભર કરશે. સુપર-8નો અંતિમ મુકાબલો 1 માર્ચે ભારત-વિન્ડિઝ વચ્ચે થશે અને તેમાં જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચી જશે.
